<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આણંદમાં સંગોષ્ઠિ કાર્યક્રમમાં દૂધ ઉત્પાદક સંઘના સભાસદો સાથે સંવાદ કર્યો

રાહુલ ગાંધીએ દૂધ ઉત્પાદકોને પડી રહેલી મુશ્કેલી અને તેમની માંગણીઓ જાણવાનો પ્રયાસ કર્યો. દૂધ ઉત્પાદકો સાથે ચર્ચા કર્યા બાદ રાહુલ ગાંધીએ દૂધ ઉત્પાદકોની વિવિધ માગોનો મુદ્દો લોકસભામાં ઉઠાવવાની ખાતરી આપી

અમદાવાદ :ગુજરાતના પ્રવાસે આવેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે આણંદમાં કોંગ્રેસના દૂધ ઉત્પાદક સંગોષ્ઠિ કાર્યક્રમમાં હાજરી આપી. આ બેઠકમાં દૂધ ઉત્પાદક સંઘના સભાસદો હાજર રહ્યા હતા. અહીં રાહુલ ગાંધીએ દૂધ ઉત્પાદકોને પડી રહેલી મુશ્કેલી અને તેમની માંગણીઓ જાણવાનો પ્રયાસ કર્યો. દૂધ ઉત્પાદકો સાથે ચર્ચા કર્યા બાદ રાહુલ ગાંધીએ દૂધ ઉત્પાદકોની વિવિધ માગોનો મુદ્દો લોકસભામાં ઉઠાવવાની ખાતરી આપી છે અને ગુજરાતના દૂધ ઉત્પાદકોને તેમની માગો સંતોષવા માટે આંદોલન કરવાની જરૂર પડે તો ગુજરાત આવવાની પણ તૈયારી બતાવી છે.

કોંગ્રેસ સેવા દળના લાલજી દેસાઈએ કહ્યું હતું કે, દૂધ સંઘ સાથે સંકળાયેલા 170 લોકો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો છે. દૂધ પેદા કરનાર હાલ દૂધ પી ન શકે તેવી સ્થિતિ છે.  છેલ્લા 10 વર્ષમાં જે દૂધના ભાવ વધવા જોઈએ તે નથી વધ્યા...દરેક દૂધ સંઘનો વહીવટ યોગ્ય રીતે થતો નથી.નકલી દૂધનો કાળો કારોબાર પણ ગુજરાતમાં જોવા મળે છે. તેના લીધે લોકો કેન્સર જેવા રોગનો ભોગ બને છે.દૂધ મંડળી અવાજ ઉઠાવે છે તો તે મંડળી બંધ કરી ને અવાજ દબાવમાં આવે છે. દૂધ ઉત્પાદકોની વાતને કોંગ્રેસ જન સમર્થન આપશે.દૂધ ઉત્પાદકોના મુદ્દાને રાહુલ ગાંધી લોકસભામાં ઉઠાવશે. ગુજરાતમાં જો દૂધ ઉત્પાદકો આંદોલન કરશે તો પણ રાહુલ ગાંધી ગુજરાત આવશે.

 રાહુલ ગાંધીના કાર્યક્રમ દરમિયાન ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિતોને પાસના અભાવે પ્રવેશ ન મળતા વિવાદ સર્જાયો હતો. પોલીસ અને કોંગ્રેસ આગેવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. આખરે કોંગ્રેસ નેતાઓની જીદ સામે પોલીસે નમવું પડ્યું અને પીડિતોને અંદર જવાની મંજૂરી આપી હતી. રાહુલ ગાંધીએ પીડિત પરિવારની વ્યથા સાંભળી અને તેમને સાંત્વના આપી હતી.

(7:31 PM IST)