<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

૪ વર્ષની બાળકીની છેડતી કરનારને આજીવન કેદની સજા અને ૭લાખનો દંડ

પોક્સો કોર્ટનો આદેશઃબાળકીના પરિવારને થતા તેમને બાપુનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

અમદાવાદ,તા.૨૬

અમદાવાદઃ શહેરના બાપુનગર વિસ્તારની ૪ વર્ષની બાળકી સાથે છેડતી કરનાર આરોપી સંજય કુમાર બાબુલાલ રાણાને સ્પેશિયલ POCSOના ખાસ જજ અસ્મિકાબેન બી. ભટ્ટએ ગુનેગાર ઠરાવીને આજીવન વર્ષની સખ્ત કેદ અને રૃ. ૭ લાખ દંડ ફટકાર્યો છે. દંડ ના ભરે તો વધુ પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે.

આ કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૧માં ૧૧ ફેબ્રુઆરીએ બાપુનગરમાં રહેતી ૪ વર્ષ ૧૧ માસની બાળકીને આરોપી સંજયકુમાર બાબુલાલ રાણાએ ચોકલેટ આપવાની લાલચ આપીને છેડતી કરી હતી. જેની જાણ બાળકીના પરિવારને થતા તેમને બાપુનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે આરોપી સંજયકુમાર રાણાની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.

જે કેસ ચાલતા જ સરકારી વકીલ કમલેશ જૈનએ ૧૧ સાક્ષીઓ અને ૨૧ દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી સામે ગુનો પુરવાર થયો છે. આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે, આવા ગુનાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે.

જેથી સમાજમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ જાળવવા માટે, કાયદા અનુસાર આરોપીને મહત્તમ સજા ફટકારવી જરૃરી છે.

જ્યારે આરોપી તરફે ઓછી સજા કરવા માટે રજૂઆત કરવા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. બન્ને પક્ષની રજૂઆત બાદ પોક્સો કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. આવા આરોપીઓ બાળકોના માનસિક ડરનો દુરુપયોગ કરી રહ્યા છે અને આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે. જો આ પ્રકારના કૃત્યને હળવાશથી લેવામાં આવે, તો નાના બાળકોના કોઈ પણ માતા-પિતા તેમના બાળકોને નજીકના વિસ્તારમાં રમવા માટે મોકલશે નહીં.કોર્ટે વધુમાં કહ્યું કે, સ્વાભાવિક રીતે, ૪-૫ વર્ષના બાળકને જોઈને કોઈપણ વ્યક્તિને આવા નાના બાળક પ્રત્યે ફક્ત કાળજી અને પ્રેમની લાગણી થશે. જેથી આરોપીએ જે પ્રકારનું કૃત્ય કર્યું છે તે ફક્ત એક વાસના છે તેથી આ કોર્ટનો મત છે કે આ પ્રકારના આરોપીઓ જે ૪-૫ વર્ષના બાળક સાથે કૃત્ય કરી રહ્યા છે તેમને મહત્તમ સજા થવી જોઈએ. જેથી આરોપીને ગુનેગાર ઠરાવીને આજીવન વર્ષની કેદની સજા ફટકારી જેલના હવાલે મોકલી આપ્યો છે અને સાત લાખ રૃપિયા દંડ પણ ફટકાર્યો છે.

(9:13 PM IST)