<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

મહેસાણા જિલ્લામાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસ્યાઃ અનેક વિસ્તારો જળમગ્નઃ લાલાવાડા ચોટિયા જેવા ગામોનો રસ્તો બંધ

સતલાસણા અને ખેરાલુમાં ભારે વરસાદ, આખું ટ્રેક્ટર અને કાર તણાઈ

મહેસાણા: મહેસાણા જિલ્લામાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. શનિવારની મોડી રાતથી સવાર સુધી પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. રેલવે અંડરપાસ હોય, જાહેર રસ્તાઓ હોય કે પછી કોઝવે, તમામ જગ્યાએ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. આ ભારે વરસાદના કારણે મહેસાણા જિલ્લામાં વાહન તણાવાની અને ફસાવવાની ત્રણ મોટી ઘટનાઓ સામે આવી છે.
પ્રથમ ઘટના ખેરાલુ રેલવે અંડરપાસમાં બની હતી, જ્યાં પાણી ભરાઈ જવાને કારણે એક કાર ફસાઈ ગઈ હતી. સદનસીબે, કારમાં સવાર તમામ લોકોનું, ડ્રાઈવર સહિત, સ્થાનિકોની મદદથી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જોકે કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. બીજી ઘટના ખેરાલુ તાલુકાના લાલાવાડા ગામ નજીક ચીમનાબાઈ ચોકડીથી લાલાવાડા વચ્ચેના કોઝવે પર બની, જ્યાં પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી. કારચાલક કારની અંદર જ ફસાયેલો હતો, પરંતુ સ્થાનિકોએ ભારે જહેમત બાદ તેને સુરક્ષિત બહાર કાઢ્યો હતો, જોકે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ લોકોને ભારે મુશ્કેલી પડી હતી. ત્રીજી ઘટના સતલાસણાના ધરોઈથી હડોલ રોડ પર આવેલા ડીપમાં જોવા મળી હતી, જ્યાં પાણીના પ્રવાહમાં એક ટ્રેક્ટર તણાઈ ગયું હતું. જેમાં ટ્રેક્ટરચાલકે કૂદીને પોતાનો જીવ બચાવ્યો છે.
મહેસાણા જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા જોઈએ તો, સતલાસણા અને મહેસાણામાં 4 ઇંચ, ખેરાલુ, વડનગર અને વિસનગરમાં 3-3 ઇંચ, જ્યારે ઊંઝામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ અવિરત વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. હાલમાં પણ લાલાવાડા ચોટિયા જેવા ગામોનો રસ્તો બંધ થયો છે, જ્યાં કોઝવે પર બે ફૂટ જેટલો પાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો અટવાયા છે. વિસનગરમાં પણ ઠેર-ઠેર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

(12:52 PM IST)