News of Monday, 28th July 2025
અમેરિકનોને ગુજરાતી શિખવનાર જામનગરનાં વિશ્વપ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી ડો. શાંતિભાઈ આચાર્યનું અવસાન
૨૫ વર્ષથી નિવૃત્ત થઈ જામનગરમાં રહેતા હતા જામનગરની સાહિત્ય સંસ્થા સેતુ એ તેમને નગર રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતાં

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર::જામનગરનાં ડો. શાંતિભાઇ પરસોતમભાઇ આચાર્યનું ૯૩ વર્ષની વયે અવસાન થતા ગુજરાતી ભાષાને એક વિદ્નાનની ખોટ પડી છે એમ કહી શકાય.
તેઓ છેલ્લા ૨૫ વર્ષથી નિવૃત્ત થઈ જામનગરમાં રહેતા હતા. જામનગરની સાહિત્ય સંસ્થા સેતુ એ તેમને નગર રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
વિશ્વવિખ્યાત ભાષાશાસ્ત્રી ટર્નર ડો. શાંતિભાઇનાં 'હાલારી ડાયલોગ્સ' પુસ્તકનો અવારનવાર સંદર્ભ આપતા જે તેમની વિદ્વતાનો પુરાવો છે.
તેમનો જન્મ ૨૫-૧૦-૧૯૩૩ના દિવસે પુરુષોતમ આચાર્યના ઘેર સૌરાષ્ટ્રનાં જામનગર જીલ્લાના લતીપુર ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ મેળવ્યું અને વધુ અભ્યાસ માટે તેઓ જામનગરની એમ.ટી.બી. કૉલેજમાં જોડાયા જ્યાં તેમણે સ્નાતકની પદવી મેળવી. ત્યાર પછી ગુજરાત વિશ્વવિદ્યાલયનાં સાહિત્ય ભવનમાંથી તેમણે એમ.એ.ની પદવી મેળવી. તેઓ એક જીજ્ઞાસુ વિદ્યાર્થી હતા. ઉમાશંકર જોશી અને રમણલાલ જોષીની પ્રેરણાથી, ૧૯૬૦માં ડૉ.પ્રબોધ પંડિતના માર્ગદર્શન હેઠળ ‘હાલારી બોલી’ પર સંશોધનકાર્ય કરીને તેમણે પી.એચ.ડી.ની પદવી મેળવી હતી.
તેઓ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠનાં આદિવાસી સંશોધન કેન્દ્રમાં નિયામક તરીકે જોડાયા હતા. આ માટે તેઓ આદિવાસી પ્રજાની મુલાકાતો લેતાં, અને તે દરમ્યાન મેળવેલી માહિતીને સંકલિત કરી તેમણે લોકકલાના ગ્રંથોનું સંપાદન કર્યું હતું. ડૉ. હરિવલ્લભ ભાયાણી અને ડૉ.યોગેન્દ્ર વ્યાસ તેમના માર્ગદર્શક હતા.
૧૯૭૯માં તેઓ અમેરિકાનાં વરમોન્ટ રાજ્યના બ્રેટલબરો નગરની ‘સ્કુલ ઓફ ઇન્ટરનનેશનલ’ ટ્રેનિંગમાં અમેરિકન વિદ્યાથીઓને ગુજરાતી શીખવવા ગયા હતા.
તેમના નિધનથી ભારતનું ભાષા સાહિત્ય રાંક થઈ ગયું છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
