<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

ગુજરાતના અલગ અલગ શહેરોમાં સોનાના બજાર ભાવ કરતા સસ્તી કિંમતે સોનું વેચવાનું કહીને અનેક લોકો સાથે ઠગાઈ આચરનાર રાજસ્થાનની ગેંગ પોલીસના હાથે ઝડપાઇ : અનેક ગુનાના ભેદ ઉકેલાયા

ઝોન 2 એલસીબીની ટીમ આ બાવરી ગેંગના 3 સભ્યોને પકડી પાડ્યા હતા. આરોપીઓમાં ગંગારામ મુંગીયા, બાબુલાલ વાઘેલા અને પન્નારામ ડાભી આ ત્રણેય આરોપીઓ રાજસ્થાનના રહેવાસી હોવાનું ખુલ્યું

અમદાવાદ તા.૨૮

અત્યારના સમયમાં સોનાનો ભાવ જ્યારે આસમાને છે, તેવામાં જો કોઈ વ્યક્તિ સોનાના બજાર ભાવ કરતા સસ્તી કિંમતે સોનું વેચવાનું કહે તો ચેતી જજો, કારણ કે તે વ્યક્તિ તમને સોનાના નામે ચુનો લગાડી જશે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં આ રીતે અનેક લોકો સાથે ઠગાઈ આચરનાર રાજસ્થાનની ગેંગ પોલીસને હાથે લાગી છે. આ ગેંગની તપાસ કરતા અનેક ગુનાના ભેદ ઉકેલાયા છે. 

સાબરમતીમાં 6 લાખની કરી છેતરપીંડી

અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 15 જુલાઈના રોજ સવારના સમયે સાબરમતી વૈષ્ણોદેવી સર્કલ પાસે બે અજાણ્યા શખ્સોએ એક દુકાનદારને ફસાવ્યો હતો. પોતે રાજસ્થાનમાં ખોદકામ કરે છે અને ખોદકામ દરમિયાન સોનું મળી આવ્યું છે જેથી તેને સસ્તામાં વેચવાનું છે તેમ જણાવી વેપારીને પહેલા અસલી સોનાનો મણકો આપ્યો હતો. વેપારીને વિશ્વાસ આવી જતા ખોટી માળા આપીને 6 લાખની છેતરપીંડી આચરી હતી. જે મામલે સાબરમતી પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. 

ઝોન 2 એલસીબીએ બાવરી ગેંગ પકડી

આ ગુનાની ગંભીરતા ધ્યાને રાખીને ઝોન 2 એલીસીબીની ટીમ પણ આરોપીઓને શોધતી હતી, તેવામાં પોલીસને જાણ થઈ હતી કે આ પ્રકારના ગુના આચરતી રાજસ્થાનની બાવરી ગેંગ હોઈ શકે છે, જેથી ઝોન 2 એલસીબીની ટીમ આ બાવરી ગેંગના 3 સભ્યોને પકડી પાડ્યા હતા. આરોપીઓમાં ગંગારામ મુંગીયા, બાબુલાલ વાઘેલા અને પન્નારામ ડાભી છે. આ ત્રણેય આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. 

અસલી બતાવી નકલી સોનું પધરાવતી હતી ગેંગ

આ ગેંગના પકડાયેલા આરોપીઓ ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં ફરીને રાજસ્થાનમાં ખોદકામ કરતા હોય અને ખોદકામ દરમિયાન સોનાનો જથ્થો મળી આવ્યો હોત જે સસ્તા ભાવે વેચવાનો હોય તેમ જણાવતા અને પહેલા ભોગ બનનારને વિશ્વાસમાં લેવા માટે અસલી સોનાનો મણકો બતાવતા અને બાદમાં પીળી ધાતુની પીતળના મણકાની માળા પધરાવી રોકડ લઈને ફરાર થઈ જવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા. 

ગુજરાતના 4 ગુનાની કબૂલાત

આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે સાડા ચાર મહિના પહેલા સુરતના કડોદરા સર્કલ પાસે આ રીતે છેતરી 3 લાખની ઠગાઈ આચરી હતી. એક મહિના પહેલા વૈષ્ણોદેવી સર્કલ પાસે એક વ્યક્તિ સાથે એક લાખની અને સાડા ચાર મહિના પહેલા બનાસકાંઠાના ધાનેરા શાક માર્કેટ ખાતે એક વ્યક્તિ સાથે 50 હજારની અને દોઢ મહિના પહેલા ઉંજા શાક માર્કેટ ખાતે એક વ્યક્તિ સાથે એક લાખ રૂપિયાની ઠગાઈ આચરી હતી. 

બે આરોપીઓ 4 વર્ષથી વોન્ટેડ

અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં હાલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેવામાં આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે બાબુલાલ વાઘેલા અને પન્નારામ ડાભી ચાંદખેડામાં ઠગાઈના ગુનામા 4 વર્ષથી ફરાર છે. તેવામા ઝોન 2 એલસીબીએ આરોપીઓને પકડી સાબરમતી પોલીસને હવાલે કરતા પોલીસે આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે.

(5:07 PM IST)