<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

અમદાવાદમાં હોમગાર્ડ જવાનની હેવાનિયત :શબાબમાંથી બન્યો સતિષ: હિન્દૂ યુવતીને ફસાવી દેહ પીંખ્યો :ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું

હોમગાર્ડ જવાને દબાણવશ પોતાની સાથે રહેવા મજબુર કરી અને પોતે પરિણીત હોવા છતાં યુવતીને મુસ્લિમ ધર્મ સ્વીકારવા દબાણ કર્યું. અંતે યુવતીએ પોલીસની મદદ લેતા પોલીસે ગુનો નોંધી હોમગાર્ડની ધરપકડ કરી

અમદાવાદ એક હોમગાર્ડ જવાનની હેવાનિયત સામે આવી છે, તેણે પોતે વિધર્મી હોવા છતાં હિન્દુ બનીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બાંઘ્યો, જોકે બાદમાં યુવતીને તેનો અસલી ચહેરો અને ધર્મ ખબર પડી જતા તેણે નરાધમ સાથે સંબંધ તોડી નાખ્યા, પરંતુ હેવાન હોમગાર્ડ જવાને તેને દબાણવશ કરી પોતાની સાથે રહેવા મજબુર કરી અને પોતે પરિણીત હોવા છતાં યુવતીને મુસ્લિમ ધર્મ સ્વીકારવા દબાણ કર્યું. અંતે યુવતીને સહન ન થતા પોલીસની મદદ લીધી. પોલીસે ગુનો નોંધી હોમગાર્ડની ધરપકડ કરી છે. 

હોમગાર્ડ જવાનનું કામ નાગરિકોની સુરક્ષા કરવાનું હોય છે પરંતુ આ શખ્સે તો એક મહિલાની આબરૂ પર તરાપ મારી છે. આ શખ્સે હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું અને યુવતીની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો વર્ષ 2021માં ફરિયાદી યુવતી એક્ટિવા પર કમ્પ્યુટર કલાસીસમાં જઈ રહી હતી, ત્યારે મણિનગર પહોંચતા આ હોમગાર્ડ જવાને શબાબે વાહન ચેકીંગના બહાને યુવતીને રોકી હતી અને બાદમાં તેનો મોબાઈલ નંબર મેળવીને તેની સાથે વાતચીત શરૂ કરી હતી. 

શાતીર હોમગાર્ડ જાણતો હતો કે યુવતી હિન્દુ છે અને તે પોતે મુસ્લિમ છે એવી તેને જાણ થશે તો તે તેની જાળમાં ફસાશે નહી, જેથી તેણે પોતાની ઓળખ હિન્દુ નામ સતીષ તરીકેની આપી ધીરે ધીરે યુવતીને પોતાની મીઠી મીઠી વાતોમાં મોહીત કરીને પ્રેમજાળમાં ફસાવી લીધી. યુવતી પણ આરોપીના પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ કે 2021માં જ આરોપીએ યુવતી સાથે મૈત્રી કરાર કર્યો હતો, જેમાં તેણે પોતાનું સાચુ નામ લખ્યું હોવા છતાં યુવતીએ જોયા વિના જ કરારમાં સહિ કરી દીધી. જોકે બાદમાં યુવતીને પ્રેમી મુસ્લિમ હોવાની જાણ થતાં તેણે સંબધ તોડી નાખ્યા હતા. પરંતુ મોઢામાં આવી ગયેલો શિકાર આવી રીતે જતો રહે તે આરોપીને મંજૂર ન હતો, જેથી તે સતત યુવતીનો પીછો કરતો હતો. યુવતીએ આરોપીથી બચવા માટે વર્ષ 2023માં સુરતના એક વ્યક્તિ સાથે સામાજિક રીતે લગ્ન કર્યા હતા. 

યુવતીએ પોતાના સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા હોવાની જાણ આ નરાધમને થતા થતા તેણે તેનું ઘર તોડવાનુ નક્કી કર્યું અને કોઈ પણ રીતે યુવતીના પતિનો નંબર મેળવી તેનો સંપર્ક કરી પોતાના યુવતી સાથેના પ્રેમ સંબંધની જાણ કરી દીધી. જેથી યુવતીના પતિએ લગ્નના બે મહિનામાં જ તેને તરછોડી છુટાછેડા લઈ લીધા. આરોપી ઈચ્છતો હતો તે થયું એટલે તે ફરી યુવતીને પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો રહ્યો. યુવતી એકલી હતી, અને પહેલા પતિથી એક સંતાન પણ હતું, આરોપીએ પોતે કુંવારો હોવાનું યુવતીને કહ્યું હતુ અને લગ્ન કરશે તેવો વાયદો કરતા યુવતીએ વર્ષ 2025માં ફરી તેની સાથે મૈત્રી કરાર કરીને લીવ ઇન રિલેશનશિપમાં રહેવા ગઈ. આરોપીએ 20 દિવસ યુવતીને પોતાની પાસે ગોંધી રાખીને ત્રાસ આપ્યો અને તેને મુસ્લિમ ધર્મ સ્વીકાર કરવા માટે દબાણ કર્યું, જે બાદ યુવતીને જાણ થઈ કે તેનો પ્રેમી પહેલાથી પરિણીત છે અને તેને સંતાનો પણ છે, જેથી પોતાની સાથે દગો થયો હોવાનો અહેસાસ થતા તે આરોપીને મુકીને પોતાના માતા પિતાના ઘરે જતી રહી હતી. જોકે બાદમાં પણ આ નરાધમે તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું જેથી તેની સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી શબાબ શેખની ધરપકડ કરી છે. 

(7:46 PM IST)