<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

ગાંધીનગરમાં ચોંકાવનારો કિસ્સો : મહિલા ડોક્ટરને ત્રણ મહિના ડિજિટલ અરેસ્ટ કરીને 19.24 કરોડ પડાવ્યા

FIR દાખલ થવાની ધમકી આપી અલગ અલગ એજન્સીના લેટર મોકલી ઘરમાં પડેલું સોનુ વેચાવ્યુ બાદમાં લોકરમાં રહેલા સોના પર લોન લેવડાવી, એફડી તોડાવી અને વર્ષો પહેલા લીધેલા શેર પણ વેચાવી નાખ્યા

ગાંધીનગરમાં વસતા મહિલા તબીબી બન્યા છે. એક જ મહિલાને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ બનાવીને 19.24 કરોડ જેવી જંગી રકમ હડપ કરી જવાનો ડિજિટલ અરેસ્ટનો આ કેસ ગાંધીનગરમાં બન્યો છે. સમગ્ર ઘટના જાણે એમ હતી કે ગાંધીનગરમાં રહેતાં ડોક્ટર સિનિયર સિટિઝન મહિલાને ઇન્ટરનેશનલ ગેંગ અને ભારતની ગેંગે ભેગા મળીને 3 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખી હતી. આ ડિજિટલ અરેસ્ટ દરમિયાન તેને અલગ અલગ રીતે ડરાવવામાં આવ્યા હતા. એવી ધમકીભર્યા લેટર પણ મોકલવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ગેંગે સિનિયર સિટિઝન મહિલા ડોક્ટરને એવી રીતે ડરાવવાની શરૂઆત કરી કે તમારા ફોનથી અપમાનજનક મેસેજ પબ્લિકલી વારંવાર પોસ્ટ થાય છે, તેથી તમારી સામે FIR દાખલ થશે. પછી તો ધીમે ધીમે અલગ અલગ રીતે સરકારી એજન્સીઓનાં નામના ખોટા લેટર મોકલી ઘરમાં પડેલું સોનું વેચાવી પૈસા પડાવ્યા હતા.

બાદમાં લોકરમાં રહેલા સોના પર લોન લેવડાવી, એફડી તોડાવી અને વર્ષો પહેલા લીધેલા શેર પણ વેચાવી નાખ્યા. આ બધામાંથી જે રૂપિયા આવ્યા એ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા. જેમાં ગાંધીનગરના સીઆઇડી ક્રાઇમના સાઇબર સેલે 35 જેટલા અલગ અલગ શખસો સામે 16 જુલાઇના રોજ ડિજિટલ અરેસ્ટનો ગુનો નોધ્યો હતો. આ ઇન્ટરનેશનલ ગેંગે મહિલા પાસેથી 19.24 કરોડની માતબર રકમ પડાવી લીધી હતી.

ગાંધીનગરમાં સિનિયર સિટિઝન મહિલા ભોગ બન્યાં છે, તેઓ વ્યવસાયે ડોક્ટર છે. મહિલાને બે દીકરી છે અને બંને દીકરીઓ વિદેશમાં રહે છે. મહિલા ડોક્ટર પોતાના ગાંધીનગરના મકાનમાં રહે છે અને અન્ય કુટુંબીજનોના સંપર્કમાં રહે છે. દરમિયાન ત્રણ મહિના પહેલાં 15મી માર્ચ, 2025ના દિવસે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનમાંથી જ્યોતિ વિશ્વનાથ નામની વ્યક્તિનો કોલ આવ્યો હતો. એ પછી પોલીસ ઇન્સ્પેકટર અને પબ્લિક પ્રોસિક્યુટર સહિતનાં નામે મહિલાને કોલ આવ્યા હતા. કોલમાં મહિલાને એવું કહેવામાં આવ્યું હતું કે, આ કેસમાં મની લોન્ડરિંગનો ગુનો દાખલ થયો છે અને એ માટે FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ) એક્ટ અને PMLA (ધ પ્રિવેન્સન ઓફ મની લોન્ડરિંગ) એક્ટ, ભારત સરકારની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે સહિતની ધમકી મળી હતી. આ રીતે અલગ અલગ બહાને મહિલા ડોક્ટર પાસેથી 19.24 કરોડ રૂપિયા જમા કરાવી લીધા હતા.   

જેમાં અલગ અલગ ઓફિસર બનીને ધમકાવતા પાંચ શખસ સામે અને 35 બેન્ક એકાઉન્ટધારકો, જેમાં પૈસા જમા થયા છે તેમની સામે ગુનો નોધાયો છે. ગાંધીનગરનાં મહિલા ડોક્ટરને એટલા પ્રેશરમાં લાવી દેવામાં આવ્યાં હતાં કે તેઓ જ્યાં જતાં ત્યાં સામેથી વીડિયો કોલ કરીને હાજરી પુરાવતાં હતાં અને પોતાના લોકેશનનું અપડેટ આપતાં રહેતાં હતાં. એકવાર તેઓ તેના ભાણેજના લગ્નમાં ત્રણ દિવસ માટે સુરત ગયાં હતાં, ત્યાંથી પણ છાનામાના એક જગ્યાએ જઈને રોજ વીડિયો કોલ કરીને હાજરી પુરાવતાં અને લગ્નમાં જ ગયાં છે, એ સાબિત કરવા સ્થળ પરનાં દૃશ્યો પણ બતાવતાં હતાં. આ હદે તેમને સાઇકોલોજિકલી કેપ્ચર કરી લેવામાં આવ્યાં હતાં. જો કે હવે ગાંધીનગરની ડોક્ટર મહિલા સાથે ઠગાઇ આચરવામાં આવી એ કેસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે એમાં કંબોડિયાની ગેંગ અને ભારતના જ એક રાજ્યમાં રહેલી ગેંગ સામેલ છે અને એ અંગે પોલીસ ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે.

 

(7:58 PM IST)