<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

નશામાં ધૂત ટ્રક ચાલકે આગળ જતી AMTS બસને જોરદાર ટક્કર મારી

દારૃડિયા ટ્રક ચાલકનો આતંકઃસદનસીબે, બસનો ડ્રાઈવર અને અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો એ કોઈ મોટી જાનહાનિ થઇ નહતી

કલોલ,તા.૨૮

કલોલ નજીક દંતાલી પાસે આજે એક મોટી દુર્ઘટના ટળતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે. એક નશામાં ધૂત ટ્રક ચાલકે આગળ જતી AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) બસને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બસમાં સવાર એક મુસાફર ઘાયલ થયો હતો.

મળતી માહિતી અનુસાર, AMTS બસ મુસાફરોને લેવા માટે ઉભી હતી ત્યારે પાચળથી પૂરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે બસને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર એક મુસાફરને ઈજા પહોંચી હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે, બસનો ડ્રાઈવર અને અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો એ કોઈ મોટી જાનહાનિ થઇ નહતી. અકસ્માત બાદ AMTS બસના ચાલકે ટ્રક ચાલકને પકડી પડ્યો હતો અને તપાસ કરતા તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.

AMTS બસના ડ્રાઈવરે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને નશામાં ધૂત ટ્રક ચાલકને ઝડપી પડ્યો હતો.

પોલીસે બસના ડ્રાઈવરની ફરિયાદના આધારે આરોપી ટ્રક ચાલક મહાવીરસિંહ ભારતસિંહ રાજપૂત વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી દારૃ પીને વાહન ચલાવવાના કેસો પર પ્રકાશ પડ્યો છે.

(9:54 PM IST)