<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

વિરાણીયા ગામનું માદરિયા ફળિયું આજે પણ વિકાસથી વંચિત

મહીસાગરમાં ધારાસભ્યનું ગામ જ વિકાસથી વંચિતઃસામાન્ય વરસાદમાં પણ અહીંના સ્થાનિકોને પાણીમાંથી જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર થવું પડે છે

મહીસાગર,તા.૨૮

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરાણીયા ગામના માદરિયા ફળિયામાં જતો રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્રણ વર્ષ અગાઉ બનાવેલું નાળું પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું હતું, અને આજદિન સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. આને કારણે માદરિયા ફળિયાના આદિવાસી લોકોને ચોમાસામાં અહીંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે.

ગ્રામજનોએ અનેક વખત સરપંચ તેમજ સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને રજૂઆત કરી છે, તેમ છતાં રસ્તો ન બનતા ગ્રામજનો આજે પણ એ જ કપરી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. રસ્તા ઉપર સામાન્ય વરસાદમાં પણ પાણી ફરી વળતા રાત્રિ દરમિયાન અને દિવસે પણ લોકોને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે. વધુ વરસાદ પડે તો અહીં રહેતા ૧૦૦ થી વધુ ગ્રામજનો સંપર્ક વિહોણા બની જાય છે.

સ્થાનિક ગ્રામજનો બે હાથ જોડીને વહીવટી તંત્ર પાસે વહેલી તકે અહીં બ્રિજ બનાવી આપવાની માંગ કરી રહ્યા છે. જાણે માદરિયા ફળિયામાં આજદિન સુધી તંત્રનો કોઈ વિકાસ પહોંચ્યો જ ન હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. રોડ-રસ્તા સહિત અહીંના લોકો પ્રાથમિક સુવિધાઓની માંગણી તંત્ર પાસે કરી રહ્યા છે.

આ ઘટના લુણાવાડા તાલુકાના ધારાસભ્યના જ ગામની વરવી વાસ્તવિકતા દર્શાવે છે. વિરાણીયા ગામના માદરિયા ફળિયામાં જવા માટે કોઈ પાકો રસ્તો નથી, અને ઘરે જવા માટે સ્થાનિક લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે ૭૨ લાખ રૃપિયાની ગ્રાન્ટ આવી હોવા છતાં પણ રસ્તો બની રહ્યો નથી. લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરવા સોશિયલ મીડિયામાં વીડિયો ઉતારી વાયરલ કર્યો છે.

(9:57 PM IST)