<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

ગુજરાતમાં નકલી દવાઓનું મોટું કૌભાંડ ઝડપાયું : ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાંથી અંદાજે રૂ. 17 લાખની ડુપ્લિકેટ એલોપેથિક દવાઓ જપ્ત કરી!

વટવા, અમરાઈવાડી, બાપુનગર સહિતના વિસ્તારોમાં દરોડા : પ્રખ્યાત બ્રાન્ડ્સ જેવી કે કાયમોરલ ફોર્ટ, ઓગમેન્ટીન, ઝેરોડોલ એસપી, સીફીક્ઝેમ, ડાયક્લો પેરા સહિતની દવાઓમાં ચાક પાવડર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં તંત્રની સરાહનીય કામગીરીથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓમાં ફફડાટ

અમદાવાદ : રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત કટિબદ્ધ છે. આ કટિબદ્ધતાના ભાગરૂપે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્‍સીઓ પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરવામાં આવી હતી, જ્યારે ૨૦ દવાના નમુનાઓ લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.
દરોડા અને જથ્થાની વિગત:
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તાજેતરમાં તંત્રના આઈ.બી. ફ્લાઈન્ગ સ્ક્વોડને મળેલી ગુપ્ત માહિતીના આધારે અમદાવાદ ખાતે રહેતા અરુણસિંહ અમેરા (૨૦, રાજનગર સોસાયટી, વટવા) ના રહેઠાણ પર વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી ખુબ મોટા પ્રમાણમાં સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓનો જથ્થો પકડી પાડવામાં આવ્યો.
આ ઉપરાંત, નિલેશ હરિલાલ ઠક્કર (બી-૭, ચુનીલાલ પાર્ક, સીટીએમ ચાર રસ્તા પાસે, અમરાઈવાડી, અમદાવાદ વટવા) ના ઘરેથી રૂ. ૧૨ લાખની કિંમતનો સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પાર્થ જગદીશભાઈ જોષીની મે. પારસ કેમિસ્ટ (દુકાન નં- ૫, પ્રથમ માળ, કાંતા એસ્ટેટ, ધાર્મિક એપાર્ટમેન્ટની સામે, ચાંમુડાનગર નજીક, બાપુનગર, અમદાવાદ) ખાતેથી પણ સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી હતી.
રાજ્યભરમાં કાર્યવાહી:
કમિશનર ડો. એચ. જી. કોશિયાએ વધુમાં ઉમેર્યું કે, માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય શહેરોમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી:
 * વડોદરા: ઓલકેર મેડિસિન્સના માલિક કિરણ ઠક્કરની દુકાનમાંથી ૧૧૫ સ્ટ્રીપ ડુપ્લિકેટ દવાઓ જપ્ત કરાઈ.
 * સુરત: શિવાય મેડીકો, કતારગામના માલિક પ્રજાપતિ ગૌરવ બાબુલાલને ત્યાંથી ૧૩૬ ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ પકડાઈ.
 * રાજકોટ: મે. નિર્મલ મેડિકલ એજન્સી, મોટી ટાંકી ચોક, રાજકોટની પેઢીના માલિક જીગ્નેશ વઘાસિયાને ત્યાંથી ૩૨ ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ જપ્ત કરવામાં આવી હતી.
આ ઉપરાંત, અમદાવાદ શહેરની અન્ય જગ્યાઓ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતેથી જ્યાં આ દવાઓનું વેચાણ થયું હતું તે જગ્યાઓ પર પણ દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ડુપ્લિકેટ દવાઓમાં ચોકનો પાવડર અને અન્ય રાજ્યોમાંથી ખરીદી:
ડો. કોશિયાએ જણાવ્યું કે, એફડીસીએ (ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન) તંત્ર દ્વારા ટોરેન્ટ ફાર્માની લીડિંગ પ્રોડક્ટ કાયમોરલ ફોર્ટ, ગ્લેક્સો કંપનીની ઓગમેન્ટીન, ઇપ્કા કંપનીની ઝેરોડોલ એસપી, બાયોસ્વીફ્ટ કંપનીની સીફીક્ઝેમ, પ્રીવોક્સો કંપનીની ડાયક્લો પેરા જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સની ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ પકડી પાડવામાં આવી હતી. આ દવાઓમાં પ્રાથમિક દ્રષ્ટિએ ચોકનો પાવડર હોવાનું જણાઈ આવ્યું હતું. વધુમાં, આ ઇસમો અન્ય રાજ્યોમાંથી વગર બીલે ૫૦ ટકા ભાવમાં રોકડેથી આ દવાઓ ખરીદીને માર્કેટમાં વેચતા હોવાનું પણ માલૂમ પડ્યું હતું, જેની વધુ તપાસ ચાલી રહી છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તાજેતરમાં સુરત ખાતે ઓનલાઈન મીશો પર વેચાણ કરતી નકલી બનાવટી કોસ્મેટિક ઉત્પાદન કરતી પેઢી પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ ખાતે સન ફાર્માની ડુપ્લિકેટ લેવીપીલ ૫૦૦ ટેબલેટનું વેચાણ પણ અગાઉ પકડી પાડવામાં આવ્યું હતું. આમ, વિવિધ પેઢીઓ પર પાડેલા આ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઇસમોમાં ભારે ફફડાટ ફેલાઈ રહ્યો છે, અને તંત્ર દ્વારા આ મામલે કડક હાથે કામગીરી ચાલુ રાખવામાં આવશે.

 

(7:12 PM IST)