News of Tuesday, 29th July 2025
ડાંગ પોલીસની શી ટીમનું ‘પ્રોજેક્ટ દેવી’નામનું અભિયાન: ડાકણ પ્રથાની સામે લડત: 50થી વધુ મહિલાઓનો બચાવ
ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારોમાં ‘ડાકણ પ્રથા’ જેવી ગેર-માન્યતાને દૂર કરવા ડાંગ પોલીસે પહેલ કરી

સમાજમાંથી અંધશ્રદ્ધા અને કુરિવાજોને દૂર કરવા સતત પ્રયત્નશીલ રહેનારી સરકાર અને પોલીસની પહેલે હવે ડાંગ જિલ્લામાં મહત્વપૂર્ણ અવકાશ પામ્યો છે. ડાંગ જેવા અંતરિયાળ અને જનજાતિ પ્રધાન વિસ્તારોમાં અવારનવાર સામે આવતા ‘ડાકણ પ્રથા’ના પીડન સામે પોઝિટિવ પગલું લેવાયું છે. ડાંગ પોલીસની ‘શી ટીમ’ દ્વારા શરૂ કરાયેલું ‘પ્રોજેક્ટ દેવી’ નામનું વિશિષ્ટ અભિયાન ડાકણ તરીકે નિર્દોષ મહિલાઓ પર થતા શારીરિક અને માનસિક શોષણ સામે લડત આપે છે.
આ અભિયાન અંતર્ગત ડાકણ ઘોષિત કરવામાં આવેલી મહિલાઓને ઓળખી તેમને કાનૂની સહાય, મનોવિજ્ઞાનિક સહારો તેમજ સામાજિક પુનર્વસન પૂરું પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજનાના માધ્યમથી 50થી વધુ મહિલાઓને ડાકણ તરીકેના કલંકમાંથી મુક્ત કરાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે, તેમાથી ઘણા કેસોમાં મહિલાઓના તેમના પરિવારજનો સાથે પુનઃસંયોજન પણ કરાવવામાં આવ્યો છે. શી ટીમ આવા કિસ્સાઓમાં પીડિત મહિલાઓની નિયમિત મુલાકાત લઈ રહી છે અને ગામોમાં જાગૃતિ અભિયાન પણ ચલાવી રહી છે જેથી ડાકણ પ્રથાના વિરોધમાં જનમત ઉભો થાય.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ X (ટ્વિટર) પર ‘પ્રોજેક્ટ દેવી’ની ખુલ્લા હૃદયથી પ્રશંસા કરી છે. તેમણે લખ્યું, “આ પહેલથી અનેક મહિલાઓને નવું જીવન મળ્યું છે અને સમાજમાં જાગૃતિ આવી રહી છે કે અંધશ્રદ્ધાને બદલે શિક્ષણ અને સમજદારીથી જ સાચી પ્રગતિ શક્ય છે.”
આ અભિયાન એ સાબિત કરે છે કે પોલીસકર્મીઓ માત્ર કાયદાની રક્ષા માટે જ નહીં, પણ સામાજિક સુધારાના સ્તંભ તરીકે પણ કાર્યરત થઈ શકે છે. ‘પ્રોજેક્ટ દેવી’ ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાં જીવતા લોકોને અંધશ્રદ્ધાથી મુક્ત કરીને તેમને એક નવી દિશા આપે છે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
