News of Tuesday, 29th July 2025
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ મામલે હીરા જોટવા અને તેના પુત્રની જામીન અરજી ના મંજુર કરતી સેસન્સ કોર્ટ
સુનાવણી થતા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે બંનેના જામીન ના મંજૂર કર્યા

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજય જોટવાની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ રીમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટે આરોપીઓને સબ જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો ત્યારે કોંગી નેતા અને તેના પુત્ર દ્વારા જામીન અરજી સેસન્સ કોર્ટમાં મુકવામાં આવી હતી. જેના પર સુનાવણી થતા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે બંનેના જામીન ના મંજૂર કર્યા છે.
આ અંગે મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, હીરા જોટવા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હોવા સાથે પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કરાયો હોવાની દલીલ કરાઈ હતી. હીરા જોટવાએ ડમી એજન્સી બનાવી તમામ પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ તરફ હીરા જોટવાના વકીલે જોટવા હાર્ટ પેશન્ટ હોવાની અને રાજકીય અગ્રણી હોવાંથી રાજકીય રંગ આપવા આરોપી બનાવાયા હોવાની દલીલ કરી હતી જો કે કોર્ટે તે ગ્રાહ્ય રાખી ન હતી.અત્રે ઉલ્લેખનીય છે કે મનરેગા કૌભાંડમાં અત્યાર સુધી 10 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસી નેતા હીરા જોટવા અને હાંસોટ ટીડીઓ ઓફિસનો કર્મચારી રાજેશ ટેલરની અટકાયત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર અને હાસોટ તાલુકામાં મનરેગા 58 ગામોના વિકાસ કાર્યોમાં 7.30 કરોડ રૂપિયાના કૌભાંડ સામે આવ્યું હતું.વિકાસ કાર્યોના કામમાં ગુણવત્તાના અભાવ સાથે માનવશ્રમના ઉપયોગ વગર યાંત્રિક કાર્યો કરાયાની ફરિયાદ નોંધાય હતી.
મેટલ રસ્તા પર મેટલનો ઓછો વપરાશ કરી ઓછી ગુણવત્તાના રસ્તા બનાવી સરકાર પાસેથી પૈસા પડાવી લેવાયા સરકારી કર્મચારી અને અધિકારીઓના મેળાપીપણાના ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મદદનીશ પ્રાયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ગુનો દાખલ કરાવ્યો હતો. વેરાવળની બે એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. બંને એજન્સીઓના પ્રોપરાઇટર પિયુષ નુકાણી અને જોધા સભાડ સામે નામ જોગ ફરિયાદ દાખલ કરાઈ છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
