<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતના ગણતરીના કલાકોમાં જ ગુજરાત કોંગ્રેસના બે નેતાએ રાજીનામા આપી દેતા ચકચાર

રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન જ કાર્યકરોમાં ભારે અસંતોષ : પક્ષમાં ગ્રાઉન્ડ લેવલે કામ કરનારા અનેક નેતા અવગણનાનો આરોપ: પાર્ટીમાં દલાલો અને વેચાયેલા લોકોને વધુ મહત્ત્વ અપાતું હોવાનો આરોપ

આણંદઃ તાજેતરમાં રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાતના ગણતરીના કલાકોમાં જ ગુજરાત કોંગ્રેસના બે નેતાએ રાજીનામા આપી દેતા ચકચાર મચી ગઈ હતી. આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. આ સિવાય વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ વિજય જોશીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.એક સાથે બે લોકોના રાજીનામાથી અનેક પ્રકારના તર્ક વિતર્ક વહેતા થયા હતા.

 

બંનેએ રાજીનામું આપતા જણાવ્યું કે, આણંદ જિલ્લા કોંગ્રેસમાં આગળ જવા ક્ષત્રિય હોવું જરૂરી છે. મળતિયાઓને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ ફાળવવામાં આવ્યા હતા. સેવાદળના એક કાર્યકરના આખા ઘરને પ્રવેશ પાસ આપવામાં આવ્યા હતા. આડકતરી રીતે બંને કાર્યકર્તાઓએ અમિત ચાવડા પર નિશાન સાધ્યું હતું અને પ્રદેશ પ્રમુખ માટેના પાર્ટીના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

 

  અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન જ કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. પક્ષમાં ગ્રાઉન્ડ લેવલે કામ કરનારા અનેક નેતા અવગણનાનો આરોપ લગાવી રહ્યા છે. તેમજ પાર્ટીમાં દલાલો અને વેચાયેલા લોકોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

ગઈકાલે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે વિધાનસભામાં ઉપનેતા તરીકે શૈલેષ પરમારની નિમણૂક કરી હતી. જ્યારે મુખ્ય દંડક તરીકે ડો. કિરીટભાઈ પટેલ, ઉપદંડક તરીકે વિમલભાઈ ચુડાસમા, ઉપદંડક તરીકે ઈમરાનભાઈ ખેડાવાલા, ખજાનચી તરીકે દિનેશભાઈ ઠાકોર, મંત્રી તરીકે કાંતિભાઈ ખરાડી, પ્રવક્તા તરીકે જીગ્નેશભાઈ મેવાણી, પ્રવક્તા તરીકે અનંતભાઈ પટેલની નિમણૂક કરી હતી.

   ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થતાં પ્રદેશ પ્રમુખેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું હતું. જે બાદ નવા પ્રદેશ પ્રમુખ તરીકે તાજેતરમાં જ અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી હતી

(9:41 PM IST)