News of Wednesday, 30th July 2025
પારડીમાં જર્જરિત શાક માર્કેટનો સ્લેબ ધરાશાયી થયો
વલસાડમાં મોટી દુર્ઘટના ટળીઃસ્લેબના પોપડા પડવા માંડતા અને કાટમાળ નીચે ધસી પડતા ત્યાં હાજર વેપારીઓ અને દુકાનદારોમાં ગભરાટ ફેલાયો હતો

વલસાડ,તા.૩૦
વલસાડના પારડી તાલુકાના ઓરવાડ ગામમાં શાકભાજી માર્કેટનો જર્જરિત સ્લેબ ધરાશાયી થયો હતો. જે ઘટનાને કેરણે ભારે ભાગદોડ મચી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ સ્લેબ એકાએક ધરાશાયી થતાં વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઓરવાડ ગામની આ શાક માર્કેટ અત્યંત જૂની અને જર્જરિત અવસ્થામાં હતી. ગતરોજ માર્કેટના પહેલા માળની ગેલેરીનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો.
સ્લેબના પોપડા પડવા માંડતા અને કાટમાળ નીચે ધસી પડતા ત્યાં હાજર વેપારીઓ અને દુકાનદારોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગ્યા હતા. જેના કારણે શાક માર્કેટમાં ભાગદોડ મચી ગઈ હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં સ્લેબ તૂટવાની અને લોકોની ભાગદોડ સ્પષ્ટપણે જોવા મળી હતી. આ દ્રશ્યો માર્કેટની જર્જરિત સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. મહત્વપૂર્ણ છે કે આ માર્કેટના વેપારીઓ અને દુકાનદારો દ્વારા અગાઉ પણ અનેકવાર શાક માર્કેટની જર્જરિત હાલત અંગે તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી.અનેકવાર કરેલી રજૂઆતો અંગે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. ઘટના બનતા જ ગામના સરપંચ અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. મોટી દુર્ઘટના ટળતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ આવા જર્જરિત માળખાં અંગે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તે અત્યંત આવશ્યક બન્યું છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
