<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

રાજ્‍યમાં મગફળીનું મબલખ ઉત્‍પાદન થશેઃ ૨૦ લાખ હેક્‍ટરમાં થયું વાવેતર

રોકડીયા પાક કપાસમાં પણ રેકોર્ડબ્રેક વાવેતર

ગાંધીનગર,તા.૩૧: રાજ્‍યમાં મગફળીનું વાવેતર સતત વધી રહ્યું છે અને આ ખરીફમાં રેકોર્ડબ્રેક વાવેતર થઈ રહ્યું છે. ગત વર્ષે ખરીફ ઋતુમાં ૧૮.૮૨ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. આ વર્ષે પૂરેપૂરી વાવણી હજી બાકી છે. છતાં અત્‍યાર સુધી ૨૦ લાખ હેકટરથી વધુ વિસ્‍તારમાં વાવેતર થઈ ચૂક્‍યું છે. રાજ્‍યમાં મગફળીના વાવેતરની છેલ્‍લા ત્રણ વર્ષની સરેરાશ ૧૭ લાખ ૫૦ હજાર હેકટર વિસ્‍તાર છે, એની તુલનાએ ૧૧૪.૮૬ ટકા વાવેતર અત્‍યાર સુધીમાં થઈ ચૂક્‍યું છે અને ખેતીવાડી વિભાગના કહેવા પ્રમાણે મગફળીનું વાવેતર હજી વધવાનીશક્‍યતા છે.

આ જ પ્રમાણે કપાસનું વાવેતર પણ ૨૦ લાખ હેકટરમાં અત્‍યાર સુધી થઈ ચૂક્‍યું છે, જે નોર્મલ વાવેતરના ૮૦ ટકા વાવણી છે. ગત વર્ષે કપાસમાં ૨૩.૧૫ લાખ હેકટરમાં વાવેતર થયું છે. આમ, રાજ્‍યના આ મહ્‍ત્‍વના બન્ને રોકડિયા પાકોમાં અત્‍યાર સુધી ૪૦ લાખ હેકટરથી વધુ વિસ્‍તારમાં વાવણી થઈ ચૂકી છે, જે અત્‍યાર સુધી થયેલી બધા પાકોની વાવણીમાં ૬૧.૪૩ ટકા હિસ્‍સો છે. વર્તમાન ખરીફ સિઝનમાં અત્‍યાર સુધી ૬૫.૫૬ લાખ હેકટરમાં વાવણી થઈ છે. અહીં નોંધવું રહ્યું કે અત્‍યાર સુધી રાજ્‍યમાં મોસમનો સરેરાશ ૬૩ ટકા વરસાદથયો છે.

રાજ્‍યમાં અત્‍યાર સુધી સોયાબીનમાં ૯૯.૬૬ ટકા યાને ૨.૫૪ લાખ હેકટરમાં તથા મકાઈમાં ૮૮.૮૨ ટકા એટલે કે ૨.૫૪ લાખ હેકટરમાં વાવેતર થયું છે.

ડાંગર-બાજરી-જુવાર-મકાઈ સહિતના ધાન્‍ય પાકોમાં સરેરાશ ૭૧.૧૭ ટકા, ટુવેર-મગ-મઠ-અડદ સહિતના કઠોળ પાકોમાં ૬૨.૭૩ ટકા તેમજ મગફળી-તલ-રાયડો-સોયાબીન સહિતના તેલીબિયાં પાકોમાં સરેરાશ ૮૭.૫૮ ટકા વાવેતર અત્‍યાર સુધી થયું છે. જ્‍યારે શાકભાજીમાં ૬૭.૩૭ટકા અને ઘાસચારામાં ૬૦.૭૬ ટકા વાવણી થઈ છે.

(12:40 PM IST)