News of Thursday, 31st July 2025
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં સૌને સાથે રાખીને સર્વાંગી વિકાસ સાધવાની વિકાસની રાજનીતિનો લાભ ગુજરાતને મળ્યો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
નેપાળની સંસદના ૧૪ યુવા સાંસદો અને ૮ પક્ષોના અગ્રણીઓ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે : ગુજરાતે શિક્ષણ - આરોગ્ય - ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ તથા સહકારીતાના ક્ષેત્રમાં કરેલા સીમાચિન્હ વિકાસથી પ્રભાવિત થતા નેપાળના સાંસદો

અમદાવાદ તા.૩૧ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત નેપાળની સંસદના ૧૪ જેટલા યુવા સાંસદો અને વિવિધ ૮ રાજકીય પક્ષોના અગ્રણીઓએ ગાંધીનગરમાં લીધી હતી.
નેપાળના ધી ફ્રી યુથ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશનના નેજા તળે આ યુવા સાંસદો અને ૮ જેટલા પક્ષોના અગ્રણીઓ ગુજરાતના સાપ્તાહિક પ્રવાસે આવેલા છે. આ પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, સોમનાથ, અમૂલ ડેરી આણંદ વગેરે સ્થળોની મુલાકાત ડેલિગેશન લેવાનું છે.
ગુજરાત પ્રવાસનો પ્રારંભ આ ડેલીગેશને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાતથી કર્યો હતો.
નેપાળના સાંસદો અને વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓએ ગુજરાતે ભારતના વિકાસ રોલ મોડલ તરીકે શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વિકાસ, સહકારીતા તથા રોજગારીના ક્ષેત્રમાં જે સીમાચિન્હ રૂપ વિકાસ સાધ્યો છે તે જાણીને તેઓ પ્રભાવિત થયા હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
ડેલીગેશનના સભ્યોએ એમ પણ કહ્યું કે, સમૃદ્ધ નેપાળના નિર્માણ માટે ભારત-ગુજરાત પાસેથી કઈ રીતે વિકાસ રાહે આગળ વધી શકાય, લોકોને સાથે રાખીને તથા સાયન્સ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી કઈ રીતે વિકાસ થઈ શકે તે જાણવા અને સમજવાનો તેમના આ પ્રવાસનો હેતુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સંદર્ભમાં ડેલિગેશનને ગુજરાતના પ્રભાવક વિકાસની ભૂમિકા આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચાયો છે.
તેમણે ઉમેર્યું કે, સૌને સાથે રાખીને અને છેવાડાના, ગરીબ માનવીના હિતને કેન્દ્રમાં રાખીને યોજનાઓ બનાવીને તેનો લાભ 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવાની, સૌના સાથ સૌના વિકાસની વડાપ્રધાનશ્રીની કાર્યપદ્ધતિનો સૌથી વધુ લાભ ગુજરાતને મળ્યો છે.
વિકાસના સ્પષ્ટ વિઝન અને પોલિટિકલ વિલ બેયના સમન્વયથી વડાપ્રધાનશ્રીએ દેશનો જે વિકાસ કર્યો છે તે દુનિયાના અન્ય દેશો માટે ઉદાહરણીય છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ ડેલિગેશનના સભ્યોએ ગુજરાતના વિકાસના વિવિધ પહેલું વિશે જાણવામાં પણ ઊંડો રસ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ સૌજન્ય મુલાકાત બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
