<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

સુરતના કાપોદ્રામાં દંપતિના અપહરણ કેસમાં પોલીસને સફળતા: યુવતીના પિતા સહિત 7 આરોપીઓની ધરપકડ

પ્રેમલગ્નથી નારાજ યુવતીના પિતાએ અન્ય લોકો સાથે મળીને તેમની દીકરી અને જમાઈને ઘરમાં ઘૂસી મારામારી કરી કારમાં અપહરણ કર્યું હતું.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આઠ મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર ગર્ભવતી યુવતી અને તેના પતિના અપહરણ કેસમાં કાપોદ્રા પોલીસને મોટી સફળતા મળી છે. યુવતીના પિતા સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અપહરણ કરાયેલા પતિ-પત્નીને સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવ્યા છે. 

સુરતના કાપોદ્રાના રવિ પાર્ક સોસાયટીમાં રહેતા એક દંપતીના આશરે આઠ મહિના પહેલા પ્રેમલગ્ન થયા હતા. ત્યારબાદ સાત મહિના તેઓ વતનમાં રહ્યા હતા અને એક મહિના પહેલા જ સુરત રહેવા માટે આવ્યા હતા. હાલ યુવતી આઠ માસથી ગર્ભવતી છે. આ પ્રેમલગ્નથી નારાજ યુવતીના પિતાએ અન્ય લોકો સાથે મળીને તેમની દીકરી અને જમાઈને ઘરમાં ઘૂસી મારામારી કરી કારમાં અપહરણ કર્યું હતું. અપહરણકારોએ બંને પતિ-પત્નીને માર મારી કારમાં અપહરણ કરીને પંચમહાલ તરફ ભાગી ગયા હતા.

સમગ્ર મામલે કાપોદ્રા પોલીસને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પંચમહાલ તરફ ભાગ્યા હોવાની જાણ થતા સ્થાનિક પોલીસને પણ જાણ કરીને કાપોદ્રા પોલીસની એક ટીમને રવાના કરવામાં આવી હતી. સઘન તપાસના અંતે, પોલીસે પંચમહાલ જિલ્લામાંથી યુવતીના પિતા સહિત કુલ સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 

  પોલીસે અપહરણ કરાયેલા બંને પતિ-પત્નીને હેમખેમ મુક્ત કરાવ્યા હતા અને પિતા ચિરાગ માલીવાડ, કાકા પ્રવીણ માલીવાડ સહિત સાતેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાત આરોપીઓમાં યુવતીના પિતા કાકાનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ આ સમગ્ર ઘટનામાં એક કિન્નરની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.

(7:52 PM IST)