<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

બોટાદમાં ડિગ્રી વગરના બે નકલી ડોક્ટરો ઝડપાયા

એસઓજીની કાર્યવાહીઃ આરોપીઓ પાસેથી મેડીકલ સાધનો, દવાઓ સહિતના મુદ્દામાલ પકાડાયો

બોટાદઃ બોટાદ SOG એ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડિગ્રી વગરના બે નકલી ડોક્ટરો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ બંને આરોપીઓને બોટાદ શહેરના સાળંગપુર રોડ પરના મોમદનગર વિસ્તાર અને જિલ્લાના તાજપર ગામમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન ₹51,600નો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
 આ નકલી ડોક્ટરો યોગ્ય તબીબી ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરી રહ્યા હતા, જેનાથી લોકોના જીવનને ગંભીર જોખમ ઉભું થઈ શકે છે. SOG પોલીસે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી મેડિકલ સાધનો, દવાઓ અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત ₹51,600 આંકવામાં આવી છે.
પોલીસે આ મામલે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન નકલી ડોક્ટરોના સંભવિત નેટવર્ક અને તેમની પ્રેક્ટિસના દાયરા અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ ઘટનાએ ફરી એકવાર નકલી ડોક્ટરોની સમસ્યા પર ધ્યાન દોર્યું છે, જે ખાસ કરીને ગ્રામીણ અને નગર વિસ્તારોમાં લોકોના આરોગ્ય માટે જોખમરૂપ બની રહ્યું છે. SOG પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ ડોક્ટરોની યોગ્યતા અને રજિસ્ટ્રેશનની ખાતરી કર્યા બાદ જ સારવાર લે.

(12:26 PM IST)