<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ તરીકે પી. ભારથીની નિમણૂક

નીતિવિષયક મુદ્દાઓને કારણે મોના ખંધારની બદલીની અટકળો : સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનો ચાર્જ સંભાળશે પી. ભારથી : રમેશ ચંદ્ર મીણાને પોર્ટસ અને ટ્રાન્સપોર્ટનો સંપૂર્ણ હવાલો

ગાંધીનગર : ગુજરાતના વહીવટી તંત્રમાં અચાનક થયેલા ફેરબદલથી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) માં હલચલ મચી ગઈ છે. રાજ્ય સચિવાલયના વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, વિભાગના વડા અને મુખ્ય સચિવ મોના ખંધારની બદલી પાછળ કેટલીક નીતિવિષયક બાબતો જવાબદાર હોવાનું મનાય છે.
૧૯૯૬ બેચના વરિષ્ઠ IAS અધિકારી મોના ખંધારને હવે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમના સ્થાને, અત્યાર સુધી સ્પેશિયલ કમિશનર ઓફ ટેક્સેશન તરીકે ફરજ બજાવતા પી. ભારથીને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગના મુખ્ય સચિવ રમેશ ચંદ્ર મીણાને પણ ટ્રાન્સફર કરીને પોર્ટસ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો સંપૂર્ણ હવાલો સોંપવામાં આવ્યો છે, જ્યાં તેઓ અગાઉ વધારાનો ચાર્જ સંભાળી રહ્યા હતા.
ચર્ચાઓ મુજબ, રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૨માં શરૂ કરવામાં આવેલી નવી આઈટી નીતિમાં કરાયેલા કેટલાક ફેરફારોથી ઘણા લાભાર્થીઓને નુકસાન થયું હતું અને આ સંબંધિત ફરિયાદો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી હતી. DST એક અત્યંત મહત્વપૂર્ણ વિભાગ છે જે સ્પેસ ટેક, જીસીસી, ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર્સ, નવી IT & TES (ટેક્નોલોજી એનેબલ્ડ સર્વિસિસ) ક્ષેત્રો, ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બાયોટેકનોલોજી અને વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન પોલિસી જેવી નીતિઓ ઘડવાનું કામ કરે છે.
આ વર્ષના અંતમાં યોજાનારી મિની વાઈબ્રન્ટ સમિટ પહેલા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કામકાજને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી આ ફેરબદલ કરવામાં આવ્યો છે. હવે પી. ભારથીએ DSTનો ચાર્જ સંભાળતા, તેમના જૂના ટેક્સેશન વિભાગમાં નવી નિમણૂક થવાની શક્યતા છે. (ધસેક્રેટરીએટ.ઈન માંથી સાભાર)

 

(1:32 PM IST)