News of Sunday, 3rd August 2025
ગુજરાતમાં ૭ દિ’ વરસાદની આગાહી
બંગાળની ખાડીથી મન્નારના અખાત તરફની ગતિવિધિએ નૈઋત્યના ચોમાસાને વધુ મજબુત બનાવ્યુઃ પશ્ચિમ બંગાળ, ઓડિશા, પૂર્વોતર રાજયો, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદશે જેવા રાજયોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી

અમદાવાદ: બંગાળની ખાડીનો મિજાજ બદલાતા મેઘાલયથી બંગાળ, ઓડિશા, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર સુધી આકાશમાં વાદળો ઘેરાઈ ગયા છે. દિલ્હી એનસીઆરમાં શનિવારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ રવિવાર 3 ઓગસ્ટ 2025ની સવાર સુધી ચાલુ રહ્યો હતો.
આ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં રવિવારે સવારે હળવો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ, હાલ ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી છે. ત્યારે દેશની રાજધાનીમાં હવામાન હાલ માટે એવું જ રહેવાનું છે. ભારે વરસાદને કારણે દિલ્હી તેમજ નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદ જેવા શહેરોમાં ઘણી જગ્યાએ પાણી ભરાવાની જૂની સમસ્યા વધુ ઘેરી બની છે. હવામાન વિભાગ (IMD) એ બિહારના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ સહિત ઘણા પૂર્વોત્તર રાજ્યો તેમજ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા ઊંચા પર્વતીય પ્રદેશોમાં મુશળધાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. કેરળ, આંધ્રપ્રદેશ જેવા દક્ષિણ ભારતીય રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં જળાશયોમાં પાણીની આવકમાં ભારે વધારો થતા 52 ડેમ હાઇ એલર્ટ પર આવી ગયા છે. જ્યારે 23 એલર્ટ ઉપર અને 21ને વોર્નિંગની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાં પાણીનો કુલ સંગ્રહ 82.15 ટકા અને અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 67.21 ટકા થવા પામ્યો છે.
રાજ્યમાં સપ્તાહના પ્રારંભે મેઘરાજાએ ધમધમાટી બોલાવ્યા બાદ છેલ્લા બે દિવસથી જોર ઘટતા અનેક વિસ્તારના રહીશોને એકંદરે રાહત થવા પામી છે. જો કે જળાશયોમાં પાણીની આવકમાં ભારે વધારો થતા 52 ડેમ હાઇ એલર્ટ પર, 23 એલર્ટ ઉપર અને 21ને વોર્નિંગની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાં પાણીનો કુલ સંગ્રહ 82.15 ટકા અને અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 67.21 ટકા થવા પામ્યો છે. રાજ્યમાં 30 જળાશય સો ટકા, 66 જળાશય 70 ટકાથી 99 ટકા અને 37 જળાશય 50 ટકાથી 69 ટકા વચ્ચે ભરાયા છે. તાજેતરમાં મેઘરાજાના તોફાની રાઉન્ડના કારણે સીઝનનો સૌથી વધુ સરેરાશ વરસાદ દક્ષિણ ગુજરાત ઝોનમાં 66.93 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 65.38 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 64.84 ટકા, કચ્છ ઝોનમાં 64.16 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર ઝોનમાં 55.09 ટકા વરસાદ થવા પામ્યો છે.
રાજ્યમાં સતત ભારે વરસાદના કારણે સિઝનનો 62 ટકા જેટલો સરેરાશ વરસાદ થવા પામ્યો છે. રાજ્યમાં કુલ 58 જેટલા માર્ગ વિવિધ જિલ્લામાં માર્ગ પર પાણી ભરાવાના કારણે કે રસ્તા ખરાબ થઇ જતા બંધ હાલતમાં છે. જેમાં અમદાવાદમાં 1 અને વડોદરામાં બે મળીને 3 સ્ટેટ હાઇવે તેમજ છોટાઉદેપુર જિલ્લામાં એક નેશનલ હાઇવે બંધ કરવાની ફરજ પડી છે. અમદાવાદ, ખેડા, આણંદ, નવસારી અને બનાસકાંઠા સહિત અનેક જિલ્લામાં કેટલાક માર્ગ બંધ હાલતમાં છે.
હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની માહિતી આપતાં જણાવ્યું કે, આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે ચારથી છ ઓગસ્ટ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં પવનની ગતિ તેજ રહેવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
