તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Sunday, 3rd August 2025
ગુજરાતમાં અત્યાર સુધીમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો
ભાવનગરમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ ખાબક્યો: સાબરકાંઠાના પ્રાંતિજમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો

અમદાવાદ : ગુજરાતમાં મેઘરાજાએ જાણે ખમૈયા કર્યા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદ અંગે આગાહી કરી છે કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તારીખ 4, 5 અને 6 ઓગસ્ટ માટે માછીમારોને વોર્નિંગ અપાઈ છે. આ સાથે આજે અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે 3 ઓગસ્ટના રોજ, રાજ્યમાં સવારના 6થી રાતના 8 સુધીમાં વરસાદી આંકડા મુજબ, રાજ્યના 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. 74 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં રેગ્યુલર કરતા 21 ટકા વધુ વરસાદ અત્યાર સુધી નોંધાઈ ગયો છે. તો ગુજરાત રીજન 23 ટકા વધુ વરસાદ પડ્યો. સૌરાષ્ટ-કચ્છમાં 18 ટકા વધુ વરસાદ રહ્યો.
હવામાન વિભાગની આગાહી મુજબ, અપરએર સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં આગામી 7 દિવસ છૂટો છવાયો વરસાદ રહી શકે છે. આગામી 24 કલાક માટે હવામાન વિભાગે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ માટે યેલો અલર્ટ અપાયું છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમા યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે. અત્યાર સુધી રાજ્યમાં 19 ટકા વધુ વરસાદ રહ્યો છે. તો બીજી તરફ અમદાવાદમા હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે. મઘા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં આવતા 17 ઓગસ્ટથી સારો વરસાદ થવાની શક્યતા છે. 19થી 26 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. તો 23 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જળ દાયક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિભારે વરસાદ શક્યતા વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનાના અંતમાં મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરશે. 6 થી10 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે અને 18 થી 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરાઈ છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હજુ વરસાદની નવી સિસ્ટમ બની નથી, નવી વરસાદની સિસ્ટમ બનશે એટલે ભૂક્કા કાઢી નાખતો વરસાદ પડી શકશે. કોઈ પણ ભાગમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. 18 થી 22 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ યથાવત રહેશે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
