<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

મારી પુત્રવધૂ હોટેલમાં બેસીને મિત્રો સાથે દારૂ-પાર્ટી કરી રહી છે

સસરાએ પોલીસ કન્‍ટ્રોલરૂમમાં ફોન કરીને રેઇડ પડાવી

સુરત, તા. પઃ સુરતમાં રવિવારે પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં ફોન કરીને એક સસરાએ પોલીસને કહ્યું હતું કે મારી પુત્રવધૂ હોટેલમાં બેસીને મિત્રો સાથે પાર્ટી કરી રહી છે. આવી ફરિયાદ કરીને ડુમસની હોટેલમાં દારૂની પાર્ટી કરતી વહુને સસરાએ પોલીસમાં ફોન કરીને રેઇડ કરાવીને પકડાવી દીધી હતી. પોલીસે હોટેલની રૂમમાંથી યુવાન વહુની સાથે બીજી યુવતી સહિત કુલ છ યુવકો-યુવતીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કિરણકુમાર હરગોવન પટેલે પોલીસને ફોન કરીને તેમના દીકરાની પત્‍ની તેના મિત્રો સાથે એક હોટેલમાં દારૂની પાર્ટી કરી રહી છે એવી ફરિયાદ કરી હતી. ડુમસ પોલીસે હોટેલની રૂમમાં રેઇડ કરતાં ચાર પુરુષ અને બે મહિલા ફલોર પર કૂંડાળું વાળીને દારૂની મહેફિલ કરતાં મળી આવ્‍યાં હતાં. આ બધાની પાસે પરિમટ પણ નહોતી. પોલીસને રૂમમાંથી વિદેશી દારૂની એક બોટલ પણ મળી આવી હતી.

(3:33 PM IST)