<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

રાજુલામાં ધોળા દિવસે SBI બેંકમાં ચોરી, કેશિયરની કેબિનમાં ઘૂસીને દોઢ લાખ ચોર્યા

બેંકમાં ચોરીની ઘટના બનીઃધમધમતી કામગીરી વચ્ચે કેશિયરની કેબિનમાં ઘૂસીને ચોરી કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે

રાજુલા,તા.૬

ગુજરાતમાં ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યાં છે. જાહેર જગ્યાઓ પર પણ ચોરીની ઘટનાઓ વધતાં લોકોમાં ભય ફેલાયો છે. અમરેલીના રાજુલામાં સ્ટેટ બેંકમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. ચોરોએ કેશિયરની કેબિનમાં ઘૂસીને દોઢ લાખ રૃપિયાની ચોરી કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીના રાજુલામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કામગીરી ચાલુ હતી તે દરમિયાન ધોળા દિવસે દોઢ લાખ રૃપિયાની ચોરી થઈ હતી. કેશિયરની કેબિનમાં ઘૂસીને ચોરોએ રૃપિયા ચોરી લીધા હતાં. આ દરમિયાન બેંકમાં કર્મચારીઓ પણ હાજર હતાં. બેંકમાં ચોરી થવાની ઘટના બનતા સિક્યુરિટીને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. ધમધમતી કામગીરી વચ્ચે કેશિયરની કેબિનમાં ઘૂસીને ચોરી કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

રાજુલા સ્ટેટ બેંકના મેનેજરે દોઢ લાખ રૃપિયા બેંકમાંથી ચોરી થયા હોવા અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. કેશ, એકાઉન્ટન્ટ અને અન્ય કર્મચારીઓની હાજરી વચ્ચે કામગીરી ધમધમતી હતી. આ દરમિયાન કેશિયરની કેબિનમાં ગેરકાયદે ઘૂસીને દોઢ લાખ કોઈ અજાણ્યો વ્યક્તિ ચોરી ગયો હતો. કર્મચારીઓ અને સિક્યુરિટીની હાજરી વચ્ચે આવી ઘટના બનતાં બેંકની ગંભીર બેદરકારી સામે આવી છે.

(10:54 PM IST)