News of Friday, 8th August 2025
ભુપેન્દ્રભાઈના શિક્ષણ હિતલક્ષી નિર્ણયથી માળખાકીય સુવિધાઓ ઊભી થશે, સંચાલકો પરનું આર્થિક ભારણ પણ ઓછું થશે : હાર્દિક પટેલ
આ મુદ્દે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરી હતી જેને સફળતા મળી

રાજકોટ, તા.૮: વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય હાર્દિક ભરતભાઈ પટેલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ગુજરાત રાજ્યની શાળાઓમાં માળખાકીય સુવિધા માટે સહાય આપવાની જાહેરાત બદલ આભાર વ્યક્ત કર્યો છે આ મુદ્દે હાર્દિક પટેલે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરી હતી જેને સફળતા મળી છે.
ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મિશન સ્કુલ ઓફ એક્સલન્સ-૨.૦ અંતર્ગત રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકિય સુવિધા સુદ્રઢ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આ નિર્ણય અન્વયે વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે રૂ.૧૦ લાખથી રૂ.૧.૫૦ કરોડ સુધીની આર્થિક સહાય ખૂટતા વર્ગખંડ, પુસ્તકાલય, લેબોરેટરી, કોમ્પ્યુટર લેબ, વોકેશનલ રૂમ, ગર્લ્સ રૂમ, નવા ટોયલેટ બ્લોક્સ, પીવાના પાણીની સુવિધા અને અન્ય મેજર રિપેરીંગ તેમજ રંગરોગાન, કમ્પાઉન્ડ વોલ અને દિવ્યાંગ માટે જરૂરી સુગમ્ય સુવિધાઓ જેવી વિવિધ માળખાકીય સગવડો ઊભી કરવા માટે ફક્ત એક જ વાર મળી શકશે.
ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું છે કે શાળાકીય સુવિધાઓ માટેની આ સહાય ૮૦:૨૦ના પ્રમાણમાં આપવામાં આવશે, એટલે કે થનારા ખર્ચના ૮૦ ટકા રાજ્ય સરકાર આપશે તથા બાકીના ૨૦ ટકા રકમ સંબંધિત શાળા મંડળ દ્વારા ભોગવવાની રહેશે. આ સહાય માટે પાત્રતા ધરાવતી શાળાઓ તા.૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં નિયત નમૂનામાં દરખાસ્ત કરીને સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલી શકશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ આ શિક્ષણ હિતલક્ષી નિર્ણય ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોની ગ્રાન્ટ-ઇન-એઈડ શાળાઓમાં વિદ્યાર્થીલક્ષી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં મદદરૂપ બનશે અને સંચાલકો પરનું આર્થિક ભારણ પણ ઓછું થશે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
