<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

વાઘોડિયાના સરણેજ ગામમાં વીજ કરંટથી યુવકનું મોત: રક્ષાબંધન પૂર્વે ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

પાણીની મોટર ચાલુ કરતી વખતે કરંટ લાગવાથી એક યુવકનું મોત: રક્ષાબંધનની ઠીક પહેલા જ લાડકો ભાઈ ગુમાવતા ત્રણેય બહેનોના હૈયાફાટ આક્રંદથી હોસ્પિટલના પરિસરમાં ગમગીની છવાઈ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના સરણેજ ગામમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ હ્રદય દ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પાણીની મોટર ચાલુ કરતી વખતે કરંટ લાગવાથી એક યુવકનું મોત થતાં ત્રણ બહેનોએ પોતાના એકના એક ભાઈને ગુમાવવાનો વારો આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સરણેજ ગામમાં રહેતો હિતેશ પરમાર (21) આજે પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો. આ સમયે અગમ્ય કારણોસર વીજ કરંટ લાગતા હિતેશે બેભાન થઈ ગયો હતો.

બીજી તરફ આ બાબતની જાણ થતાં પરિવારજનો તેમજ પાડોશીઓ હિતેશને તાત્કાલિક સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કરતાં પરમાર પરિવારના માથે આભ તૂટી પડ્યું હતુ.

આ ઘટનાની જાણ થતાં જરોદ પોલીસ મથકની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક હિતેશ પરમાર ત્રણ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. એવામાં રક્ષાબંધનની ઠીક પહેલા જ લાડકો ભાઈ ગુમાવતા ત્રણેય બહેનોના હૈયાફાટ આક્રંદથી હોસ્પિટલના પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી.

 

(9:45 PM IST)