News of Friday, 8th August 2025
સુરતમાં ડમ્પરે ટક્કર મારતા બાઈક પરથી પટકાયેલા પુત્રની નજર સામે માતાના ચહેરા પર ટાયર ફરી વળતા કરૂણમોત
જહાંગીરપુરા વિસ્તારમાં બેફામ ડમ્પરે અડફેટે લેતા બાઈક પર જતા માતા-પુત્ર નીચે પટકાયા: ડમ્પરના ચાલકે થોભવાની જગ્યાએ ભાગવા જતા વાહન માતાના ચહેરા પણ ફરી વળ્યું

સુરત શહેરમાં માંતેલા સાંઢની માફક દોડતા ડમ્પરો અને ટ્રેલરો અવારનવાર અકસ્માતો સર્જી રહ્યા છે, ત્યારે આવો જ વધુ એક બનાવ શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં બેફામ ડમ્પરે અડફેટે લેતા બાઈક પર જઈ રહેલા માતા-પુત્ર નીચે પટકાયા હતા. આ સાથે જ પુત્રની નજર સામેજ ડમ્પરના તોતિંગ ટાયર માતા પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કતારગામ વિસ્તારની સ્મૃતિ સોસાયટીના નંદ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા ગીતાબેન જૈયાવાલા (66) ગઈકાલે સાંજના સમયે પોતાના દીકરા નિલેશ સાથે કોઈ કામ અર્થે બાઈક પર ઘરેથી નીકળ્યા હતા. તેમનું બાઈક જહાંગીરપુરા વરિયાવ જંક્શન નજીકથી પસાર થઈ રહ્યું હતુ, ત્યારે જ પુરપાટ આવતા ડમ્પરના ચાલકે તેમના બાઈકને ઠોકરે ચડાવ્યું હતુ.
ડમ્પરની ટક્કરથી બાઈક સવાર પુત્ર અને માતા નીચે પટકાયા હતા. આ સમયે ડમ્પરના ચાલકે થોભવાની જગ્યાએ ભાગવા માટે પોતાનું વાહન હંકારી દીધુ હતુ. જેના કારણે ડમ્પરના તોતિંગ ટાયર ગીતાબેનના ચહેરા પર ફરી વળ્યા હતા. આ અકસ્માતમાં ગીતાબેનનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતુ. જ્યારે તેમના પુત્ર નિલેશને ગંભીર ઈજા પહોંચી હતી.
આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ 108ની મદદથી નિલેશને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે અકસ્માત બાદ ડમ્પરનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જહાંગીરપુરા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જેમણે ગીતાબેનના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. આ સાથે જ ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
