News of Monday, 11th August 2025
વડોદરામાં અત્યાર સુધીમાં 40 જુનિયર ક્લાર્કો પાલિકાની નોકરી છોડી: વધુ 20 ક્લાર્કો છોડવા છોડવા NOC માંગી
નવા નિયુક્ત થયેલા પૈકી 50 ક્લાર્કે પ્રથમ જ દિવસે હાજરી આપી નહોતી: કામગીરી પર અસર થવાની સંભાવના

વડોદરા મહાનગર પાલિકામાં માર્ચ 2024માં કુલ 552 જુનિયર ક્લાર્કોની ભરતી કરવામાં આવી હતી. જોકે, નિયુક્ત થયેલા પૈકી 50 ક્લાર્કે પ્રથમ જ દિવસે હાજરી આપી નહોતી. પરિણામે 502 ક્લાર્ક ફરજ બજાવવા લાગ્યા હતા. પરંતુ ત્યારથી અત્યાર સુધીમાં 40 જુનિયર ક્લાર્કો પાલિકાની નોકરી છોડી ચૂક્યા છે અને અન્ય 20 જેટલા ક્લાર્કોએ પણ નોકરી છોડવા માટે NOC માંગી છે. આથી કુલ 60 જેટલી જગ્યાઓ ખાલી પડવાની શક્યતા ઉભી થઈ છે, જે સીધી રીતે કામગીરી પર અસરકારક બની છે.
કોર્પોરેશનના અધિકારી તરુણ શાહે જણાવ્યું કે, નોકરી છોડી રહેલા ક્લાર્કો મોટા ભાગે સરકારના અન્ય વિભાગમાં પસંદગી પામેલા હોય છે અથવા પોતાનાં વતન નજીક નોકરી મળતાં ત્યાં જોડાઈ જાય છે. તેમ છતાં, ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા અટકાવાઈ નથી. જુનિયર ક્લાર્કની પ્રતિક્ષા યાદીમાંથી નવા ઉમેદવારોની પસંદગી શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનમાં વર્ષોથી સેવાઓ આપતા 43 જુનિયર ક્લાર્કોને આગામી દીવાળી નિમિત્તે પ્રમોશન આપવાનું આયોજન છે, જે કર્મચારીઓ માટે પ્રોત્સાહક રહેશે.
ઉલ્લેખનીય છે કે, જુનિયર ક્લાર્કો નોકરી છોડતા જતા પાલિકાની ફાઇલ પ્રોસેસિંગ, જનસેવા સંબંધિત કાર્યો અને દૈનિક પ્રશાસન કામગીરીમાં ધીમાપો આવવા લાગ્યો છે. તાજેતરમાં ભરતી થયેલા મોટા ભાગના ક્લાર્કો યુવાન હોય અને સરકારી સેવા ક્ષેત્રમાં વધુ સારી તક મળતાં ટ્રાન્સફર અથવા નવી નિમણૂક સ્વીકારી લેતા હોય છે. સ્ટાફની ઘટને કારણે જાહેર સેવાઓમાં વિલંબ વધી શકે છે. પાલિકા અધિકારીઓના મતે, તાત્કાલિક ભરતી અને ખાલી જગ્યાઓ ભરવાથી આ અસરને નિયંત્રણમાં લાવવામાં આવશે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
