<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

દેવાયત ખવડની મુશ્કેલી વધી : હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરાયો

જૂની અદાવતમાં તાલાલાના ચિત્રાવડ ગામેથી પસાર થઈ રહેલા ધ્રુવરાજસિંહ નામના યુવક પર જીવલેણ હુમલાનો આરોપ

અમદાવાદ :લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલી વધવા જઈ રહી છે. હકીકતમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં મારામારીના એક બનાવમાં દેવાયત ખવડ સહિત 15 વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, ગેરકાયદેસર મંડળી રચવા જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

હકીકતમાં દેવાયત ખવડ અને તેના સાગરિતોએ જૂની અદાવતમાં તાલાલાના ચિત્રાવડ ગામેથી પસાર થઈ રહેલા ધ્રુવરાજસિંહ નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને સારવાર અર્થે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોતાના પર થયેલા હુમલા અંગે ધ્રુવરાજસિંહે જણાવ્યું કે, આજે હું મારી કારમાં ચિત્રાવડ ગામેથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે મારી ગાડી 50 કિમી પ્રતિકલાકની ઝડપે દોડતી હતી. આમ છતાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર અને અન્ય એક ક્રેટા કારે મારી કારને પાંચથી છ વખત ટક્કર મારી હતી.

જે બાદ બન્ને ગાડીમાંથી આશરે 10-15 લોકો લોખડના પાઈપ લઈને ઉતર્યા હતા અને મને મારવા લાગ્યા હતા. આ દરમિયાન હુમલાખોરોએ મારી સોનાની ચેઈન અને રોકડ રકમની પણ લૂંટ ચલાવી હતી. આટલું જ નહીં, દેવાયત ખવડે ધ્રુવરાજસિંહને બંદૂક બતાવી પોલીસ ફરિયાદ ના કરવાની ધમકી પણ આપી હતી.

આ હુમલામાં ધ્રુવરાજસિંહને હાથમાં બે અને પગમાં એક ફ્રેક્ચર થયા છે. આ મામલે તલાલા પોલીસ મથકમાં દેવાયત ખવડ અને તેના સાગરિતો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની અલગ-અલગ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(12:44 AM IST)