<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ સાંજથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ

નીચાણ વાળા વિસ્‍તારમાં પાણી ઘુસ્‍યાઃ વાતાવરણમાં ઠંડક પ્રસરીઃ રાવપુરા, સુભાનપુરા, ગોત્રી, વાસણા, ભાયલી, દાંડિયાબજાર, માંજલપુર, છાણી અને અલ્કાપુરી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકયો

વડોદરાઃ  વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ આજે સાંજથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય બફારા અને ઉકળાટ વચ્ચે સાંજે તૂટી પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
સમી સાંજે શહેરના રાવપુરા, સુભાનપુરા, ગોત્રી, વાસણા, ભાયલી, દાંડિયાબજાર, માંજલપુર, છાણી અને અલ્કાપુરી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા ભાગોમાં વરસાદના પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર થોડીવાર માટે ખોરવાઈ ગયો હતો. આ સાથે જ ફરી એકવાર રાજ છત્રી અને રેઈનકોર્ટની જુગલબંધી જોવા મળી હતી.
શહેરવાસીઓએ વરસાદને કૃષ્ણ જન્મોત્સવના વધામણા ગણાવી ખુશી વ્યક્ત કરી હતી. અસહ્ય ગરમીમાંથી રાહત મળતા લોકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. આ સાથે ખેડૂતો માટે પણ આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી દિવસોમાં પણ વડોદરા સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. વરસાદના કારણે શહેરમાં ફરી એકવાર ઠંડકભર્યું વાતાવરણ સર્જાતા નગરજનો આનંદમાં ઝૂમી ઉઠ્યા હતા.

(8:20 PM IST)