News of Tuesday, 19th August 2025
આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-2025 ઉજવણી અન્વયે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બુધવારે સહકારી અગ્રણીઓનો વર્કશોપ
વિધાનસભા અધ્યક્ષ અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહેશે: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “સહકાર સે સમૃદ્ધિ”ના મંત્રને સાકાર કરવા સંગોષ્ઠિનું અભિનવ આયોજન

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-2025ની ઉજવણી અન્વયે બુધવાર, 20મી ઓગસ્ટે ગાંધીનગરમાં યોજાનારા સહકારી અગ્રણીઓના વર્કશોપની અધ્યક્ષતા કરશે.
2025નું આ વર્ષ “કો-ઓપરેટિવ્સ બિલ્ડ ધ બેટર વર્લ્ડ”ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણી અન્વયે સહકારી ક્ષેત્રના સમાવિષ્ટ, ટકાઉ અને સ્થિતિસ્થાપક માળખા તથા સંગઠનોના નિર્માણનો ધ્યેય રાખવામાં આવેલો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશભરમાં “સહકાર સે સમૃદ્ધિ”ના મંત્ર સાથે આ આંતરરાષ્ટ્રિય સહકારી વર્ષની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીના સંદર્ભમાં રાજ્ય સરકારના સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન અને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આ વર્કશોપનું આયોજન થયું છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બુધવાર, 20 ઓગસ્ટના સવારે 11:00 કલાકે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજનાર આ વર્કશોપમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, સહકાર-રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ આ અવસરે ઉપસ્થિત રહેવાના છે.
એટલું જ નહીં, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી પણ આ વર્કશોપમાં સહભાગી થશે.
આ એક દિવસીય વર્કશોપમાં રાજ્યભરની જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કોના ડિરેક્ટરઓ, જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ડિરેક્ટરઓ તેમજ ગુજકોમાસોલ અને ખેતીબેંકના નિયામકઓ અને રાજ્યના સહકારી અગ્રણીઓ પણ જોડાશે
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
