News of Tuesday, 19th August 2025
ગુજસીટોકે આંતરરાષ્ટ્રીય ગેંગ ઝડપી : 400થી વધુ સાયબર ફ્રોડનો ભેદ ઉકેલાયો :300 કરોડની સાયબર ફ્રોડ ગેંગનો થયો પર્દાફાશ
ગેંગનું સીધું કનેક્શન દુબઈ અને ચીન સુધી હોવાનું ખુલ્યું :ક્રિપ્ટો કરન્સી મારફતે ફ્રોડના રૂપિયા દુબઈ મોકલતી હતી.: સાત આરોપીઓની ઓળખ

અમદાવાદ સાયબર ક્રાઈમ શાખાએ ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાત સાયબર ટેસ્ક ફોર્સ ઓનલાઈન ક્રાઈમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધી, આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડની શાતિર ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગે દેશભરમાં 400થી વધુ સાયબર ફ્રોડના ગુના આચરી, 300 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ગેંગનું સીધું કનેક્શન દુબઈ અને ચીન સુધી હોવાનું ખુલ્યું છે, જે ક્રિપ્ટો કરન્સી મારફતે ફ્રોડના રૂપિયા દુબઈ મોકલતી હતી.
અમદાવાદ સાયબર ક્રાઈમ શાખાએ આ ગેંગના સાત આરોપીઓમાં સાવન ઠકરાર, ધવલ ઠકરાર, ગોવિંદ રાવલ, બ્રિજરાજસિંહ ગઢવી, કેવલ ગઢવી, હસમુખ પટેલ અને દુબઈ સ્થિત મિલનની ઓળખ કરી છે. આ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ સાવન ઠકરાર અને ગોવિંદ રાવલ પોલીસ કસ્ટડીમાં છે, ધવલ ઠકરાર અને બ્રિજરાજસિંહ ગઢવી જેલમાં છે, જ્યારે કેવલ ગઢવી અને હસમુખ પટેલ જામીન પર છે. દુબઈના મિલનની શોધખોળ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ શરૂ કરવામાં આવી છે.
નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ દરમિયાન 404 ઓનલાઈન ફરિયાદો નોંધાઈ, જેમાં 16 કરોડ રૂપિયાથી વધુના ફ્રોડનો ખુલાસો થયો. પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગે ઓનલાઈન ફ્રોડની રકમ ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતરિત કરી, દુબઈ અને ચીનના ખાતાઓમાં ટ્રાન્સફર કરી છે. આ ગેંગે ફેક ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ, ઓનલાઈન લોન ફ્રોડ અને ફિશિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી, દેશભરના લોકોને નિશાન બનાવ્યા છે
અમદાવાદ સાયબર ક્રાઈમ શાખાએ ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ નોંધીને આ ગેંગની ગતિવિધિઓનો પર્દાફાશ કરવા વ્યાપક તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓના બેંક ખાતા, ક્રિપ્ટો વોલેટ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની ચકાસણી કરી હતી. આ ગેંગના દુબઈ અને ચીન સાથેના કનેક્શનની માહિતી મળતાં આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું, "આ ગેંગની ગતિવિધિઓ દેશભરમાં ફેલાયેલી હતી. અમે ઝડપથી કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. તો અન્ય બાકીના આરોપીઓને પકડવા તપાસ ચાલુ છે."
આ ગેંગ ઓનલાઈન ફ્રોડ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરતી હતી. આરોપીઓ ફેક વેબસાઈટ્સ, ઈમેલ્સ અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને નકલી રોકાણ યોજનાઓ, લોનની લાલચ અને ફિશિંગ લિંક્સ મોકલતા હતા. ફ્રોડની રકમને ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતરિત કરી, તેઓ દુબઈ અને ચીનના ખાતાઓમાં ટ્રાન્સફર કરતા, જેનાથી તપાસ એજન્સીઓ માટે ટ્રેસ કરવું મુશ્કેલ બનતું હતું. ગેંગના સભ્યો ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ફેલાયેલા હતા, પરંતુ તેમનું મુખ્ય નેટવર્ક દુબઈથી ઓપરેટ થતું હોવાનું તપાસમાં ખુલ્યું.
આ સાયબર ફ્રોડે દેશભરના લોકોને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે, જેમાં નાના રોકાણકારો, નિવૃત્ત વ્યક્તિઓ અને મધ્યમ વર્ગના પરિવારોનો સમાવેશ થાય છે. 300 કરોડનું આ ફ્રોડ દેશના સાયબર ક્રાઈમના વધતા જોખમને દર્શાવે છે. ગુજસીટોક હેઠળ નોંધાયેલો આ પ્રથમ કેસ ગુજરાત પોલીસની સાયબર ક્રાઈમ સામેની લડાઈમાં મહત્વનું પગલું છે. આ ઘટનાએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં સાવચેતી અને સાયબર સુરક્ષા અંગે જાગૃતિની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
પોલીસે ચોરાયેલી રકમની રિકવરી અને દુબઈ સ્થિત મિલનની ધરપકડ માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સંકલન વધાર્યું છે. અમદાવાદ સાયબર ક્રાઈમ શાખા અન્ય રાજ્યોની પોલીસ સાથે મળીને આ ગેંગના નેટવર્કની વધુ તપાસ કરી રહી છે. નાગરિકોને ઓનલાઈન ફ્રોડથી બચવા માટે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (cybercrime.gov.in) પર ફરિયાદ નોંધાવવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
