<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવતા રાજેશભાઈ વસાવાનો અનોખો પર્યાવરણનો સંદેશ

દેશી ગાયના છાણમાંથી મહિલાઓ દ્વારા બનાવેલ ઈકો ફ્રેંડલી ગણેશજીની 5000 થી વધુ મૂર્તિ બનાવી હોય જે ફાટફાટ વેચાણ થઇ રહ્યું છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ગણેશચતુર્થી નજીક આવતા ગણેશ ભક્તો અને ગણેશ આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવી છે જેને કારણે ક્રમશઃ પીઓપીની મૂર્તિઓનું ચલણ ધીરે ધીરે ઘટી રહ્યું છે અને હવે લોકો માટીની મૂર્તિઓ પાણીમાં ઓગળી જતી હોવાથી માટીની મૂર્તિ તરફ વળ્યાં છે. પણ માટીની મૂર્તિ ખૂબ મોંઘી હોય છે અને તૂટી જવાનો ડર હોય છે. તેથી તેના નવા વિકલ્પ તરીકે નર્મદાના ગૌ શાળા ચલાવતા અને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ ગૌપશુ પાલક વિજેતા રાજેશભાઈ વસાવા ગીરની ગાયના છાણમાંથી ગણેશ મૂર્તિ બનાવી રહ્યાં છે.

   રાજેશભાઈના જણાવ્યા અનુસાર આનો મોટો ફાયદો એ છે કે એક પ્રકારના ઝાડના રસ સાથે ભેળવી ગાયના છાણ માંથી બનાવેલી મૂર્તિ 100% ઈકોફ્રેન્ડલી મૂર્તિ છે વજનમાં ખૂબ જ હલકી, લઈ જવામાં સરળતા, મૂર્તિનું કદ બહુ મોટુ નથી એક થી દોઢ ફૂટની, આ વખતે રાજેશભાઈએ 5000જેટલી મૂર્તિઓ બનાવી છે. જે ફાટફાટ વેચાઈ જાય છે. હાલ રાજપીપલા ચંદ્રવીલા સોસાયટીમાં તેમના નિવાસસ્થાનેથી ઓર્ડર આપેલ મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
રાજેશભાઈના જણાવ્યા અનુસાર ગાયના છાણમાંથી બનાવેલ મૂર્તિ નદીમાં વિસર્જન કરવાની જરૂર નથી પણ ઘરમાંજ ડોલમાં વિસર્જિત કરવાથી એ પાણીમાં સહેલાઈ થી ઓગળી જાય છે અને એનું પાણી ફૂલ ઝાડના કુંડામાં, ખેતરકે બગીચામાં રેડી દેવાથી એ ઓર્ગેનિક ખાતર બની જાય છે. આમ કરવાથી ભક્તો દ્વારા પર્યાવરણ ની મોટી સેવા થાય છે અને નદીને પ્રદુષિત થતી અટકાવાઈ છે.
રાજેશભાઈ પરિઆવરણનો સંદેશો ઘરે ઘરે લોકો સુધી પહોંચાડી રહ્યાં છે. બીજી તરફ એક મહિનાથી તાલીમ પામેલી બહેનો મૂર્તિઓ બનાવવાનું અને તેને શણગારવાનું કામ 25 જેવી બહેનો કરી રહી છે. તેમને રોજગારી પણ મળી રહી છે.


 

(12:05 AM IST)