News of Wednesday, 20th August 2025
શાળામાં થયેલ ધક્કામુક્કીનો ખાર રાખી ધો.૮ના વિદ્યાર્થીએ ૧૦માં ધોરણના છાત્રને છરી હૂલાવીઃ મોત
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટના આજે વાલીઓનો શાળા ખાતે હલ્લાબોલઃ તોડફોડ-બસ ઉપર પથ્થરમારોઃ કડક પોલીસ બંદોબસ્તઃ હૂમલાખોર સગીરની અટકાયત

કેતન ખત્રી દ્વારા) અમદાવાદ, તા.૨૦: શહેરમાં ગઈકાલે મંગળવારે ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા ૧૦માં ધોરણના વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક ૧૫ વર્ષીય વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
અમદાવાદમાં ધોરણ-૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય ૭-૮ વિદ્યાર્થીઓ સાથે મળીને ૧૦માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચાકુ ઘોંપી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો.
આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ શાળાથી છૂટયા બાદ ૭-૮ અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચાકુનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહી લોહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.
સમગ્ર ઘટનાની જાણ થતા ખોખરા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે CCTV ફૂટેજ ચેક કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં ગઈકાલે મંગળવારે નવમા ધોરણના વિદ્યાર્થીએ દસમા ધોરણના ૧૫ વર્ષના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો. છાત્રને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
પરંતુ સારવાર દરમિયાન સગીરનું મળત્યુ થયા બાદ માતા-પિતા ગુસ્સે ભરાયા હતા. આજે બુધવારે ગુસ્સે ભરાયેલા ટોળાએ શાળામાં તોડફોડ કરી હતી. શાળાની મિલકતનો નાશ કરવામાં આવ્યો હતો, બસો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આજે સવારથી જ સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં શાળામાં પહોંચ્યા હતા. વિદ્યાર્થીના મળત્યુથી ગુસ્સે થયેલા વાલીઓ, હિન્દુ સંગઠનો અને એબીવીપીના કાર્યકરોએ શાળામાં તોડફોડ કરી હતી. શાળાના કર્મચારીઓને પણ માર મારવામાં આવ્યો હતો.
વાલીઓમાં ફેલાયેલા ગુસ્સાને ધ્યાનમાં રાખીને, શાળામાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે નયન પર હુમલો કરનાર નવમા ધોરણના વિદ્યાર્થીની અટકાયત કરી છે. પોલીસ કિશોર કાયદા હેઠળ કાર્યવાહી કરી રહી છે. આરોપી વિદ્યાર્થી ઉપરાંત, વાલીઓએ શાળાના આચાર્ય અને મેનેજમેન્ટ સામે ફરિયાદ નોંધવાની માંગ કરી છે. અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા અમને બનાવ અંગે જાણ કરવામાં આવી નથી. જેથી અમે સ્કૂલને નોટિસ ફટકારી રૂબરૂ હાજર રહી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. (રર.૧૬)
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
