<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

રાજકીય અદાવતમાં કરાયું હતું ફાયરિંગ, બે આરોપી ઝડપાયા

પીપોદરા GIDCમાં વેપારી પર ફાયરિંગ કેસઃપોલીસે વેપારીની રેકી કરનાર તેમજ આરોપીઓને આશરો આપી હથિયાર છુપાવનાર બંને આરોપીઓને ઝડપી તપાસ હાથ ધરી હતી

સુરત, તા.૨૨

સુરત : શહેરના પીપોદરા GIDCમાં કાપડના વેપારી પર ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરવાના ગુનામાં સુરત ગ્રામ્ય પોલીસને સફળતા મળી હતી. પોલીસે વેપારીની રેકી કરનાર તેમજ આરોપીઓને આશરો આપી હથિયાર છુપાવનાર બંને આરોપીઓને ઝડપી તપાસ હાથ ધરી હતી.

રાજ્યના આર્થિક જિલ્લા તરીકે સુરત જિલ્લો પ્રથમ હરોળમાં આવે છે. સુરત જિલ્લામાં ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા રાજ્યમાંથી બહોળી લોકો ધંધા રોજગાર માટે આવે છે. આર્થિક રીતે ઓળખાતો જિલ્લો હવે ક્રાઈમ કેપિટલ બની રહ્યો છે. સુરત જિલ્લામાં હત્યા, લૂંટ, ચોરી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. છાશવારે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે જેથી લોકો પણ ભયમાં મુકાયા છે.

ત્યારે ગત ૧૩-૦૮-૨૦૨૫ના રોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ય્ૈંડ્ઢઝ્રમાં રાત્રિના ૯ના ટકોરે ઉગ્ર પ્રસાદ શાહુ નામનો એક કાપડનો વેપારી મોપેડ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન બાઇક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ પિસ્તોલ કાઢી ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ગોળીઓ વેપારીના પેટમાં આરપાર કાઢી ભાગી ગયા હતા. ઘટનાને પગલે સ્થળ પર દોડી આવેલી સુરતની કોસંબા પોલીસે ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.

ઘટનાને ગંભીરતાથી લઈને સુરત જિલ્લા DYSP આર.આર. સરવૈયા, LCB, SOG, પેરોલ ફર્લો સ્કોડ પણ કોસંબા પોલીસ સાથે કામે લાગી ગઈ હતી. પોલીસ ટીમોએ અંગત હ્યુમન ઈન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરી ચોક્કસ દિશામાં વર્ક આઉટ ચાલુ કર્યું હતું. ત્યારે પોલીસને માહિતી મળી હતી કે અમિત સિંગ ત્રિભુવનસિંગ નામના ઈસમે ભોગ બનનાર કાપડના વેપારીની રેકી કરી હતી અને દેબાશિશ નાહક નામના ઈસમે ફાયરિંગ કરનાર ઇસમોને આશરો આપી પિસ્તોલ સંતાડી દીધી છે. આ બંને ઇસમો સુરત જિલ્લો છોડી ભાગે એ પહેલા જ પોલીસે તેઓને દબોચી લીધા હતા અને દેશી પિસ્તોલ તેમજ બંનેના મોબાઈલ ફોન કબ્જે લઈને પૂછતાછ કરતા તેઓએ જણાવ્યું હતું કે ભોગ બનનાર ઉગ્ર પ્રસાદ શાહુ નામના કાપડ વેપારીને પોતાના વતન ઓરિસ્સા આરોપી બિરેન્દ્ર ભાસ્કર ખટાઇ તેમજ જીવન રમેશ પ્રધાન સાથે રાજકીય અદાવત ચાલતી હતી. જેને લઈને ઉગ્ર પ્રસાદ શાહુનું કાસળ કાઢી નાખવા માટે ફુલ પ્રૂફ પ્લાન ઘડી ઓરિસ્સાથી ભત્રીજાઓ શૈલેષ ખટાઇ અને સીબાજી ખટાઇને લોડેડ દેશી પિસ્તોલ સાથે મોકલ્યા હતા.

કોસંબા પોલીસે વોચ કરી કાપડના વેપારીનું લોકેશન આપનાર અમિતસિંગ ત્રિભુવનસિંગ તેમજ ફાયરિંગ કરનાર આરોપીઓને આશરો આપી હથિયાર સંતાડી દેનાર દેબાશીશ નાહકને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી મુખ્ય આરોપી બિરેન્દ્ર ભાસ્કર ખટાઇ અને જીવન રમેશ પ્રધાન તેમજ ફાયરિંગ કરનાર સિબાજી ખટાઇ અને શૈલેષ ખટાઇને વોન્ટેડ જાહેર કરી તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો.

 

(10:36 PM IST)