<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યા થવા પાછળ સ્કૂલની બેદરકારી આવી સામે

પ્રિન્સિપાલ વિરૃદ્ધ ગુનો દાખલ કરાયોઃસેવન્થ ડે સ્કૂલ અને સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. જી ઇમેન્યુઅલ વિરૃદ્ધ ગુનો નોંધાયો છે : સ્કૂલે હુમલા અંગે પોલીસને જાણ કરી ન હતી

અમદાવાદ, તા.૨૨

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક હચમચાવી દેનારી ઘટના બની હતી, જ્યાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીનું મોત થઈ જતાં સમગ્ર શહેર અને દેશમાં પડઘાં પડ્યા છે. ઘટના બાદ સ્કૂલની બહાર હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. મૃતકના પરિવારજનો, સિંધી સમાજના લોકો, અન્ય વાલીઓ અને હિન્દૂ સંગઠનોએ ભારે વિરોધ કર્યો અને ન્યાયની માગ કરી. ઘટના બાદ શિક્ષણ વિભાગ અને રાજ્યની સ્કૂલઓ પણ ચિંતિત બની છે. આ વચ્ચે હવે સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્કૂલ સામે બેદરકારી બદલ ગુનો દાખલ કરાયો છે. બીજી તરફ આરોપી સગીરને રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો છે.

અમદાવાદમાં ચકચારી મચાવનાર સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના કેસમાં એર ચોંકાવનારો વળાંક આવ્યો છે. મળતી માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં શાળાને આરોપી બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચે સ્કૂલ મેનેજમેન્ટને સત્તાવાર રીતે આરોપી બનાવવા માટે કોર્ટની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૃ કરી છે. હકીકતમાં કેસની તપાસ કરનારા અધિકારીઓને આ કેસમાં મેનેજમેન્ટની ગંભીર બેદરકારી જોવા મળી હતી. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીની હત્યાના કેસમાં અલગથી ગુનો દાખલ કરાયો છે. જેમાં સેવન્થ ડે સ્કૂલ અને સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. જી ઇમેન્યુઅલ વિરૃદ્ધ ગુનો નોંધાયો છે. સ્કૂલએ હુમલા અંગે પોલીસને જાણ કરી ન હતી. સ્કૂલ વહીવટી તંત્રની બેદરકારી મુજબ ગુનો નોંધાયો છે. જેમાં કલમ ૨૧૧ અને ૨૩૯ મુજબ સ્કૂલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઘટનાની તપાસ કરાઈ હતી, જેમાં સ્કૂલની બેદરકારી સામે આવી હતી. મૃતક બાળક ૩૮ મિનિટ સુધી ઇજાગ્રસ્ત હાલતમાં તડપ્યો હતો. આ અંગે સ્કૂલ સંચાલક અને સિક્યુરિટીને જાણ થઇ હોવા છતાં કોઈ પણ પ્રકારની મદદ કે કાર્યવાહી કરી ન હતી. ઇજાગ્રસ્ત હાલતમાં વિદ્યાર્થીને તરછોડી દેવાયો હતો. વિદ્યાર્થીને સ્કૂલ તરફથી કોઈ પ્રાથમિક સારવાર પણ અપાઈ ન હતી. આ સિવાય સ્કૂલ દ્વારા પોલીસ અને તેના પરિવારને ઘટનાની જાણ કરવા મામલે પણ વિલંબ કરાયો હતો. સ્કૂલમાં ગાડી અને બસ હોવા છતાં વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા ન હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તપાસ અધિકારીઓનું માનવું છે કે, વિદ્યાર્થીઓ વચ્ચે વારંવાર ઝઘડો થયું હોવાનું સામે આવ્યું હતું અને એવા પણ સંકેત મળ્યા હતા કે, આ ઝઘડો હજુ થઈ શકે છે. તેમ છતાં સ્કૂલ આ અંગે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હતી. જેના કારણે મહિના પહેલાં શરૃ થયેલા આ વિવાદે છેલ્લે હત્યાનું રૃપ લીધું હતું. તેથી ક્રાઇમ બ્રાન્ચ સ્કૂલને ગંભીર બેદરકારી માટે જવાબદાર ગણવા માટેની કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધી આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બે સગીરની ધરપકડ કરી છે.

 

(10:44 PM IST)