<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

રાજપીપળા સિવિલમા નવજાત શિશુની સંભાળ લેતા વોર્ડમાં બાળકોના મૃત્યુ થતા આપના પ્રમુખે મુલાકાત લીધી

નવજાત શિશુના વોર્ડમાં દાખલ બાળકો પૈકી ત્રણ બાળકોના રિપોર્ટ નોર્મલ હોવા છતાં મોત થયા હોય આપના પ્રમુખ નિરંજન વસાવાએ મુલાકાત લઈ પૂછપરછ કરી: લગ્નના પાંચ વર્ષ બાદ જેમને દીકરો થાય છે અને તે નવજાત શિશુ ફક્ત ત્રણ દિવસ બાદ એકદમ તંદુરસ્ત હોવા છતાં પણ મૃત્યુ પામે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ત્રણ નવજાત શિશુ મૃત્યુ પામ્યા હોવાની વાત જાણતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ વોર્ડની મુલાકાત લઈ ફરજ પરના તબીબ સાથે વાત કરી આ બાબતે પૂછપરછ કરી હતી.

      આ મુદ્દે નિરંજન વસાવાએ જણાવ્યું કે આ ખૂબ જ દુઃખદ અને ગંભીર બાબત છે આવા કેટલા બાળકો છેલ્લા એક મહિના અને વર્ષમાં મૃત્યુ પામ્યા હશે ? જેમાં નાંદોદ તાલુકામાં રહેતા વસાવા વિજયભાઈ દિલીપભાઈના ધર્મપત્નીને 19 તારીખે પેટમાં દુખાવો થાય છે અને એમને રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે છે ત્યારબાદ એમની નોર્મલ ડિલિવરી થાય છે અને એ નવજાત શિશુ ને જન્મ આપે છે જેનું વજન 2 કિલો 300 ગ્રામ હતું. તમામ રીપોર્ટ નોર્મલ હતા તેમ છતાં પણ નવજાત શિશુના વોર્ડમાં એ બાળકને રાખવામાં આવે છે માતાએ બાળકને સારી રીતે ધાવણ કરાવે છે અને એકદમ તંદુરસ્ત અવસ્થામાં બાળક હોવા છતાં પણ એ બાળક સવારના 5:00 વાગ્યાના ગાળામાં મૃત્યુ પામે છે આ બાળકના માતા પિતા એમના લગ્નને પાંચ વર્ષ બાદ તેમને દીકરો આપ્યો અને તે પણ નવજાત શિશુ ફક્ત ત્રણ દિવસ બાદ એકદમ તંદુરસ્ત હોવા છતાં પણ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં તેણે જીવન ટૂંકાવ્યું એ માટે જવાબદાર કોણ..? અમે વારંવાર આ બાબતે રજૂઆત કરીએ છીએ તેમ છતાં પણ પ્રશાસનનું કે પછી તંત્રનું પેટનું પાણી હલતું નથી, બીજા જિલ્લાના તમામ પ્રશ્નો બાબતે જિલ્લા સંકલન મિટિંગમાં ચર્ચાઓ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે જે પણ કંઈક પ્રશ્નો છે એનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે કે જેથી કરીને લોકોને તકલીફ ના પડે અને આવી ગંભીર ઘટનાઓ ના બને એ માટે આપ તમામ પદાધિકારીઓ  ને અમે અપીલ કરીએ છીએ.
 જોકે આ બાબતે અમે નવજાત શિશુ નો વોર્ડ સંભાળતા બાળકોના ડોકટર રિતેશ પરમાર સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે અમુક કેસ માં બાળકો નોર્મલ હોવા છતાં ક્યારેક અચાનક મૃત્યુ થતા હોય છે, જો રિપોર્ટ માં કઈ આવ્યું હોય તો તેની સારવાર કરી શકાય પરંતુ અમુકવાર નવજાત શિશુના કેસમાં અચાનક મૃત્યુ ની ઘટના બને છે. બાકી બીજું કોઈ કારણ નથી.

(10:59 PM IST)