News of Saturday, 23rd August 2025
ધો.૭નો વિદ્યાર્થી ચાકુ લઇને આવે છેઃ સહપાઠીનો આક્ષેપ
વડોદરાની પોદાર ઇન્ટરનેશલ સ્કૂલની ઘટના રિસેસના સમયે આઘું જવાનું કહેતા મોઢા ઉપર નખ માર્યો

વડોદરા, તા. ર૩: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી હત્યા બાદ વ્યાપી ગયેલા ખળભળાટ વચ્ચે વડોદરાના આજવા રોડ પર આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કુલના ધો.૭ના વિદ્યાર્થીએ પોતાના જ ક્લાસમાં ભણતા અન્ય એક વિદ્યાર્થી પર બેગમાં ચાકુ લઈને સ્કૂલે આવવાના અને અન્ય વિદ્યાર્થીઓને ચાકુ બતાવવાના ચોંકાવનારા આક્ષેપ કર્યા છે.
આ વિદ્યાર્થીએ તેના નાનાની હાજરીમાં કહ્યું હતું કે, આજે બપોરે રિસેસના સમયે મેં મારા ક્લાસમાં ભણતા અન્ય વિદ્યાર્થીને બેન્ચ પાસેથી હટવા માટે ખભા પર હાથ મૂકીને ટકોર કરી હતી. જેના કારણે તેણે ઉશ્કેરાઈને મને ચહેરા પર નખ માર્યા હતા.
વિદ્યાર્થીએ આગળ કહ્યું હતું કે, તેની બેગમાં બટન દબાવીને ખુલે તેવું નાનુ ચાકુ પણ હતું. જે તે ક્લાસમાં બીજા વિદ્યાર્થીઓને પણ બતાવતો હતો.આ અંગે મેં મેડમનું ધ્યાન દોર્યુ ત્યારે તેમણે માત્ર ફોટો પાડીને વાલીને મોકલી આપ્યો હતો.
સ્કૂલના પ્રવકતા કલ્પેશભાઈએ કહ્યું હતું કે, તમામ આક્ષેપ ખોટા છે અને સ્કૂલને બદનામ કરવાનો પ્રયાસ થયો છે.બે વિદ્યાર્થીઓ વચ્ચે નાની તકરાર થઈ હતી અને તેમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને નખ માર્યા હતા.આટલી નાની વાતને વાલીએ મોટો મુદ્દો બનાવીને ચગાવી છે. નખ મારનાર વિદ્યાર્થી બેગમાં ચાકુ લાવ્યો હોવાની વાત પણ ખોટી છે. અમે અમદાવાદની ઘટના બાદથી સ્કૂલમાં ચેકિંગ કરી રહ્યા છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
