News of Saturday, 23rd August 2025
અમદાવાદમાં સોમવારે વડાપ્રધાનની સભામાં શિક્ષકોની ફરજિયાત હાજરીનો કોંગ્રેસનો આક્ષેપ: શિક્ષણ વ્યવસ્થા પર સવાલ
સભામાં ભીડ એકત્ર કરવા માટે દરેક શાળામાંથી ઓછામાં ઓછા દસ શિક્ષકોની હાજરી ફરજિયાત કરવામાં આવી છે: કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ :શિક્ષકોને અત્યાર સુધી તીડ ભગાડવા મોકલવામાં આવતા હતા, કોરોનામાં લાશો ગણવા માટે મોકલ્યા હતા, સ્વ ખર્ચે પ્રવેશોત્સવ કરાવડાવાય છે અને હવે શક્તિ પ્રદર્શન બતાવવા સભાઓમાં ખાલી ખુરશીઓ ભરવા શિક્ષકોનો ઉપયોગ થાય છે: કોંગ્રેસ આકરા પાણીએ

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસે અમદાવાદમાં વડાપ્રધાનશ્રીની સભામાં શિક્ષકોની ફરજિયાત હાજરીનો અને દરેક શાળામાંથી ૧૦ શિક્ષકોને ફરજિયાત હાજર રહેવા વોટ્સએપ અને મિટિંગો દ્વારા સૂચના અપાઈ હોવાના આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે આ શિક્ષકોને એએમટીએસ બસમાં સભા સ્થળે લઈ જવાશે. કોંગ્રેસે આ પગલાને રાજકીય શક્તિ પ્રદર્શન ગણાવી શિક્ષણ વ્યવસ્થાની અવગણનાનો આરોપ મૂક્યો છે.
સોમવાર ૨૫ ઓગસ્ટના રોજ અમદાવાદમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભાને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે દાવો કર્યો છે કે સભામાં ભીડ એકત્ર કરવા માટે દરેક શાળામાંથી ઓછામાં ઓછા દસ શિક્ષકોની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા શાળાઓના આચાર્યો સાથે બેઠકો યોજાઈ રહી છે અને વોટ્સએપ દ્વારા પણ સૂચનાઓ મોકલવામાં આવી રહી છે.
હેમાંગ રાવલે આરોપ લગાવ્યો છે કે શિક્ષકોને નક્કી કરેલા સ્થળે હાજર રહી એએમટીએસ બસ દ્વારા સભા સ્થળે લઈ જવાની વ્યવસ્થા કરાઈ છે. એક વોટ્સએપ મેસેજનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, મેસેજમાં સ્પષ્ટ લખ્યું છે કે શિક્ષકોએ સીધા સભામાં જવાનું નથી, પરંતુ બસમાં જ ગણતરી કરીને હાજરી આપવાની રહેશે. કોંગ્રેસે આ પગલાને શિક્ષણના ભોગે રાજકીય શક્તિ પ્રદર્શન ગણાવ્યું છે અને કહ્યું છે કે, વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ મળતું નથી અને બીજી તરફ શિક્ષકોનો ઉપયોગ ખાલી ખુરશીઓ ભરવા માટે થઈ રહ્યો છે, જે અત્યંત ગંભીર બાબત છે.
કોંગ્રેસે આ ઘટનાને તીડ ભગાડવા, કોરોનામાં મૃતદેહો ગણવા અને હવે રાજકીય સભાઓ માટે શિક્ષકોના ઉપયોગ સાથે સરખાવીને સરકાર પર પ્રહાર કર્યો છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
