<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર :સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદ

ઇડરના માથાસુર ગામ અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાયા:ખેડબ્રહ્મામાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર

અમદાવાદ :સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આ દરમિયાન આજે 189 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.17 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 140 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે

રાજ્યમાં મેઘરાજાએ દે ધનાધન બેટિંગ કરી છે.ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં સહિત વગદા, ભાગળ, સદરપુર સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો તો સાબરકાંઠાના ઇડરના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ ખાબક્યો...ઇડરના માથાસુર ગામ અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો આ તરફ અરવલ્લીના બાયડ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી સુંદર પુરા ગામ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા છે. 

સુરતના બારડોલી સહિત સમગ્ર જિલ્લાના સમગ્ર તાલુકામાં વરસાદ પડ્યો હતો. તો જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. જૂનાગઢ શહેરમાં બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ.તો આ અમરેલી શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ થઈ. તો વલસાડના ધરમપુરમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી ધરમપુર વચ્ચે વહેતી વણઝાર ખાડીમાં પૂર આવતા રસ્તો બંધ કરાયો. તો ડાંગ જિલ્લાના આહવા, વઘઇ , સુબીર અને સાપુતારામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ નવસારીના તમામ 6 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.

 

રાજ્યમાં 23 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના ભેંસણમાં 3.66 ઇંચ, વલસાડના પારડીમાં 3.54 ઇંચ, તાપીના વ્યારામાં 3.19 ઇંચ, સોનગઢમાં 2.87 ઇંચ, નવસારીના ખેરગામમાં 2.6 ઇંચ, અમરેલીના કુંકાવાવ વડિયા, જૂનાગઢ સિટીમાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢના વંથલી, તાપીના વલોદ, ડોલવણ, સુરતના બારડોલી, મહુવા, પલસાણા, ડાંગના સુબિર, સુરતના ઉમરપાડા, દેવભૂમિ દ્વારકાના ભાનવડ, નર્મદાના ગરૂડેશ્વર, વલસાડ, મોરબીના ટંકારા, અમરેલી સહિતના વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

(10:23 PM IST)