News of Tuesday, 26th August 2025
વડોદરાની જી.આઈ.ડી.સીમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગી આગ
આગની લપેટમાં બાજુમાં આવેલી અન્ય એક ફેક્ટરી પણ આવી ગઈઃફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો જેના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી

વડોદરા, તા.૨૬
વડોદરા શહેરની જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આજે આગ લાગવાની ઘટના બની હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. જેના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ ઘટના ગાયત્રી આઈસ ફેક્ટરી સામેની ગલીમાં આવેલી એક પ્લાસ્ટિક ઉત્પાદન કરતી ફેક્ટરીમાં બની હતી. આગ લાગવાના કારણો હજુ અકબંધ છે.
પરંતુ પ્લાસ્ટિક જેવી જ્વલનશીલ સામગ્રી હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાઈ રહ્યા હતા. જેના કારણે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો અને ખૂબ જ ઝડપથી કામગીરી કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી.જોકે આગની લપેટમાં બાજુમાં આવેલી અન્ય એક ફેક્ટરી પણ આવી ગઈ હતી. પરંતુ ફાયર બ્રિગેડની સતર્કતાથી ત્યાં પણ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારોમાં સલામતીના નિયમો અને આગ સામેની સુરક્ષા વ્યવસ્થાની જરૃરિયાત પર ફરી એકવાર ભાર મૂક્યો છે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
