News of Saturday, 30th August 2025
નરેન્દ્રભાઈ મોદીના નુતૃત્વમાં રમતગમત ક્ષેત્રે ભારતની પ્રગતિઃ કલેકટર મેહુલ દવે
ગાંધીનગરમાં ‘નેશનલ સ્પોર્ટસ ડે' ઉજવણી પ્રસંગે ઉદ્દબોધન

ગાંધીનગર, તા.૩૦: ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં આવેલી ઓમ લેન્ડમાર્ક સ્કૂલ મોટા ચિલોડા ખાતે કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
નેશનલ સ્પોર્ટ્સ ડે શુભારંભ પ્રસંગે કલેકટર શ્રી મેહુલ કે. દવેએ જણાવ્યું હતું કે, ૨૯મી ઓગસ્ટને મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારત દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં સ્પોર્ટ્સના કેન્દ્ર તરીકે ભારત રમત ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને નવા કિર્તીમાન સ્થપાઈ રહ્યાં છે. આજના સમયમાં રમતો માત્ર મનોરંજન માટે નથી, રમતો થકી ટીમ વર્ક, મહેનત, શિષ્ટાચાર અને ખેલદિલીની ભાવના ઉજાગર થાય છે. રમતોથી અનેક ગુણો વિકાસ પામે છે તેથી જ જીવનમાં સ્પોર્ટ્સનું ખુબ જ મહત્વ છે. તેમણે કહ્યું કે, આપણા દેશના વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે આજના વિદ્યાર્થીઓ દેશની આવતીકાલ છે માટે મેજર ધ્યાનચંદના મનમાં દેશ અને ભારત માતાનું નામ વિશ્વ ફલક પર લાવવાની જે દ્રઢ ભાવના હતી તે જ ભાવનાથી નવી પેઢી જો પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ યોગદાન આપે તો ૨૦૪૭ માં વિકસિત ભારત જોવાનું આજનું આપણું સ્વપ્ન ચોક્કસ પરિપૂર્ણ થશે.
કાર્યક્રમના પ્રારંભે ઓમ લેન્ડમાર્ક સ્કૂલના પ્રિન્સિપલ શ્રી શિવમ ભટ્ટે સૌને આવકારી કાર્યક્રમમી રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમમાં પ્રાંત શ્રી પાર્થ કોટડીયા, મામલતદાર શ્રી મહેશ ગોહેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી મલય ભુવા, શાળાના ટ્રસ્ટી શ્રી અશોક દવે, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી મહેશ ચૌધરી, જિલ્લા શાસનાધિકારીશ્રી, સ્પોર્ટ્સ સંકુલના રમતવીરો, સંબંધિત અમલીકરણ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
