<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

બનાસકાંઠામાં પૈસા ન આપતા પતિએ માથામાં હથિયારના ઘા ઝીકી પત્નીને પતાવી દીધી :ચાર બાળકો નોંધારા બન્યા

પરિવારના મોભીએ જ પોતાના ઘરનો માળો વિખેરી નાખ્યો: ચંડીસર ગામમાં ગરીબ વર્ગના પરિવારમાં ઘર કંકાસે પરિવારના એક સભ્યનો જીવ લઈ લીધો

બનાસકાંઠા જિલ્લામાં હૃદય કંપાવી દેતી ઘટના બની છે. પરિવારના મોભીએ જ પોતાના ઘરનો માળો વિખેરી નાખ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ઘર કંકાસનો કરુણ અંજામ સામે આવ્યો છે. ગરીબ પરિવારનો માળો વિખેરાતા ચાર બાળકો નોંધારા બન્યા છે. કેમ પતિ જ પત્નીનો હત્યારો બન્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા ચંડીસર ગામની જ્યાં ગરીબ મજૂરી વર્ગના પરિવારમાં રોજના ઘર કંકાસે પરિવારના એક સભ્યનો જીવ લઈ લીધો છે. 

પતિ પોતે મજૂરી ન કરી પત્નીના પૈસા ઉપર જ મોજ શોખ કરતો હતો. ત્રણ દીકરીઓ અને એક દીકરો હોવા છતાં પતિ દિલીપ બાળકો કે પત્નીનું વિચાર્યા વિના માત્ર પોતાના મોજ શોખમાં જીવન ગુજારતો હતો. એટલું જ નહીં રોજ રોજ પત્ની પાસે પૈસાની માગણી કરતો હતો અને જો પત્ની પૈસા ન આપે તો તેને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતો હતો. પરંતુ ત્રણ દીકરીઓ અને એક નાના પુત્રના ભવિષ્યની ચિંતા કરી પત્ની ચકુબેન આટલો ત્રાસ સહન કરીને પણ ઘર સંસાર મજૂરી કરી ચલાવતા હતા. પરંતુ રોજેરોજ પતિ દિલીપ ગાલવાડિયાનો ત્રાસ વધતો જતો હતો અને છેવટે પોતાના મોજશોખ માટે પત્નીએ પૈસા ન આપતા પતિએ પત્નીના માથામાં હથિયારના ઘા મારતા ગંભીર હાલતમાં પત્નીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

 

મૃતક ચકુબેનના પરિજનોએ ગઢ પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિ દિલીપ ગાલવાડીયાની ધરપકડ કરી લીધી છે. પૈસા માટે પત્નીનું ઢીમ ઢાળી દેનારા પતિ સામે કડક કાર્યવાહી કરવાની મૃતકના પરિજનોએ માંગ કરી છે. મહત્વનું છે કે માતાનું મોત અને પિતા માતાની હત્યાના આરોપમાં જેલમાં જતા હવે ત્રણ દીકરીઓ અને એક દીકરો એટલે કે ચાર બાળકો સાવ નોધારા બની ગયા છે.

 

રોજનો ઘર કંકાસ ક્યારેક પરિવારનો માળો વિખેરી નાખે છે. કંઈક આવી જ ઘટના ચંડીસરના ગાલવાડીયા પરિવારમાં બની છે. જે બાળકોના ભવિષ્ય માટે માતા રાત-દિવસ મજૂરી કરી બાળકોને મોટા કરતી હતી તે પત્નીની ખુદ તેના પતિએ જ હત્યા કરી નાખી છે. એટલે તો કહેવાય છે કે ક્યારેક ગુસ્સામાં ભરેલું પગલું જીવનનો રસ્તો બદલી નાખતો હોય છે અને ઉશ્કેરાટમાં ભરેલું પગલું જિંદગી બરબાદ કરી નાખે છે. ત્યારે પત્નીની હત્યાને લઇ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ડીવાયએસપી બીએમ પરમારે કહ્યું કે પૈસાની માંગણી અને બાળકોનું કેમ ધ્યાન નથી રાખતી તે બાબતે પત્નીના માથામાં હથિયાર મારી પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. એટલું જ નહીં પત્નીના ખૂનના ડાઘાને સાફ કરી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ હત્યારા પતિ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ મામલે ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિ દિલીપ ગાલવાડીયાની ધરપકડ કરી લીધી છે હાલમાં સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(8:19 PM IST)