News of Wednesday, 3rd September 2025
આણંદના નવાખલમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા : આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજુર
બાળકીને મકાઈ ખવડાવવાના બહાને નદીકિનારે લઈ ગયો જ્યાં દારૂના નશામાં દુષ્કર્મ આચરી, બાદમાં તેનું ગળું દબાવી હત્યા કરી અને મૃતદેહ નદીમાં ફેંકી દીધો

આણંદના આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં 6 વર્ષીય બાળકી સાથે થયેલી ક્રૂર ઘટનાએ સમગ્ર જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતમાં કંપારી ફેલાવી છે. ગામના જ એક નરાધમ શખ્સ દ્વારા નિર્દોષ બાળકી સાથે દૂષ્કર્મ આચરી હત્યા કરાઈ હોવાનો ભયાનક કિસ્સો સામે આવ્યો છે. નવાખલ ગામની 6 વર્ષીય બાળકી શનિવારે બપોરથી ગુમ થઈ હતી. દીકરીની માતા ગામના જ એક ઘરે ઘરકામ કરતા હતા અને આ દિવસે તે વાસણ ધોતા હતા, દરમિયાન દાદર પાસે રમતી બાળકી અચાનક ગાયબ થઈ ગઈ. સાંજ સુધી પરિવાર અને ગ્રામજનો શોધખોળ કરતા રહ્યા, પરંતુ બાળકીનો કોઈ પતો ન મળ્યો નહોતો, જેને પગલે આંકલાવ પોલીસને બાળકી ગુમ અંગે જાણ કરાઈ હતી.
બાળકી ગુમ થતા પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસ અને ગ્રામજનોએ ગામની બેંક પાસેના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. બપોરે 4 વાગ્યાની આસપાસ ગામનો જ અજય પઢીયાર બાળકીને પોતાની બાઈક પર બેસાડી લઈ જતા જોવા મળ્યો હતો. ગામના સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગામલોકો સાથે મળીને અજયને તેના ઘરેથી પકડી પાડ્યો હતો.
શરૂઆતમાં તેણે ગલ્લાંતલ્લા જવાબ આપ્યા, પરંતુ બાદમાં કબૂલાત કરી કે બાળકીને મકાઈ ખવડાવવાના બહાને નદીકિનારે લઈ ગયો હતો. જ્યાં દારૂના નશામાં દુષ્કર્મ આચરી, બાદમાં તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યું અને મૃતદેહ નદીમાં ફેંકી દીધો હતો. ઘટના બાદ નરાધમ અજય પઢીયારના નિવેદનને લઈ ત્રણ દિવસ સુધી SDRF ટીમ, ડ્રોન સહિતની મદદથી નદીમાં તપાસ ચાલી અને આખરે મંગળવારે સવારે નિઝામપુરા પાસે મીની નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ ડિકમ્પોઝ્ડ હાલતમાં હતો, પરંતુ ફોરેન્સિક પીએમમાં દુષ્કર્મ અને ગળા દબાવી હત્યા થયાની પુષ્ટિ થઈ છે.
પોલીસે આ સમગ્ર કાંડમાં હવે અપહરણ, પોક્સો એક્ટ અને હત્યાની ગંભીર કલમો ઉમેરી આરોપી અજય પઢીયાર સામે ગુનો દાખલ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપીનો પીડિત પરિવાર સાથે ઘર જેવો સંબંધ હતો. રોજિંદા કામમાં મદદ કરતો હોવાથી કોઈને શંકા પણ ના હોય તેવી પરિસ્થિતિ હતી સમગ્ર ઘટના માં નજરે પડી હતી અને બાળકી ગુમ થયા અંગે પણ આરોપી બાળકી ના પરિવાર સાથે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યો હતો.
સમગ્ર કાંડમાં ગામના જ અજય પઢીયારે અંજામ આપ્યો હોય નવાખલ ગામની આ હૃદયદ્રાવક ઘટનાએ સાબિત કરે છે કે ઓળખીતાઓ પર પણ અંધ વિશ્વાસ ઘાતક સાબિત થઈ શકે છે. હાલ આખું ગામ શોકમાં છે અને લોકો આરોપીને કડક સજા મળવી જોઈએ તેવી માંગ ઉઠાવી રહ્યા છે.
હાલ તો આરોપી અજય પઢીયારને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું છે, હાલ આરોપી 4 દિવસના રિમાન્ડ ઉપર છે અને પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં વરસાદી માહોલ અને આરોપી અજય પઢીયારના વારે વારે નિવેદન બદલવાની માનસિકતાએ પડકાર ફેંક્યો હતો, પરંતુ આખરે આંકલાવ પોલીસે અન્ય પોલીસ અધિકારીઓની ટીમની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી અજયને કડક સજા થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
