<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

સોલામાં પુત્રએ પોતાની જ માતાની હત્યા કરી નાખી

સોલામાં કમકમાટીભરી ઘટના ઘટીઃપુત્રને લગ્ન કરવા હતા, પરંતુ માતા તેના લગ્ન કરાવવા તૈયાર નહોતા આ મુદ્દે માતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી

અમદાવાદ,તા.૩

અમદાવાદના સોલા વિસ્તારમાં એક અત્યંત કમકમાટીભરી અને શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એક પુત્રએ પોતાની જ માતાની હત્યા કરી છે. આ ઘટના પાછળનું કારણ ચોંકાવનારું છે. મળતી માહિતી મુજબ, પુત્રને લગ્ન કરવા હતા, પરંતુ માતા તેના લગ્ન કરાવવા તૈયાર નહોતા. આ મુદ્દે માતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ ગુસ્સે ભરાયેલા પુત્રએ માતાને ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

માતાને પુત્રએ માર મારતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન તેમનું કરૃણ મોત નિપજ્યું હતું. આ ઘટનાએ સમાજમાં માતા-પુત્રના પવિત્ર સંબંધો પર સવાલ ઉભા કર્યા છે. પોલીસે આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આરોપી પુત્રને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

માતાના મોત બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ આરોપી પુત્રની ધરપકડ કરી લીધી છે.

 હાલ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ ઘટનાના મૂળ કારણ અને અન્ય સંભવિત પાસાઓ અંગે વધુ વિગતો બહાર આવી શકે. આ દુઃખદ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવ્યો છે અને લોકોમાં ભય તથા રોષની લાગણી ફેલાવી છે.

(10:27 PM IST)