તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Thursday, 4th September 2025
સુરતમાં વધુ એક પરિણીતા પૂજા પટેલે તેમના બે વર્ષના પુત્ર ક્રિશિવને લઈને 13 મા માળેથી ઝંપલાવ્યુ : બંનેના મોત : ગણેશજીની મૂર્તિથી આશરે 50 મીટર દૂર આ માતા અને પુત્રના મૃતદેહ પડ્યા
પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી : 13મા માળેથી પડવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી ,પોલીસે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ તપાસવાનું અને આસપાસના લોકો તથા સંબંધીઓના નિવેદનો લેવાનું શરૂ કર્યું

સુરત તા.૪ : શહેરમાંથી વધુ એક પરિણીતાએ પોતાના દીકરા સાથે જીવન ટૂંકાવ્યું છે. શહેરના અલથાણા વિસ્તારમાં આવેલા માર્કન્ડ હિલ્સમાં રહેતા અને લૂમ્સના વ્યવસાય સાથે સંકળાયેલા પટેલ પરિવારની પરિણીતાએ પોતાના બે વર્ષના દીકરા સાથે બિલ્ડિંગના 13મા માળેથી ઝંપલાવી દીધું છે. જેના કારણે માતા અને દીકરો બંનેએ જીવ ગુમાવ્યો છે. જોકે, આ મહિલાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે હજી સામે આવ્યું નથી. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારમાં પાંચ લોકો રહેતા હતા
આ અંગે નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ મહેસાણાના વતની અને હાલમાં અલથાણ વિસ્તારમાં આવેલી માર્કન્ડ હિલ્સ બિલ્ડિંગના સી વિંગના છઠ્ઠા માળે વિલેષકુમાર પટેલનો પરિવાર રહેતો હતો. તેઓ તેમની 30 વર્ષીય પત્ની પૂજા અને બે વર્ષના દીકરા ક્રિશિવ સાથે રહે છે. તેમની સાથે પરિણીતાના સાસુ સસરા પણ રહે છે. વિલેષકુમાર લૂમ્સનું કારખાનું ચલાવે છે. બુધવારે સાંજે પૂજા તેમના બે વર્ષના પુત્ર ક્રિશિવને લઈને બિલ્ડિંગના સી વિંગના 13મા માળે બ્લાઉઝ સિવડાવવા ગઈ હતી. ત્યારે કોઈ અજાણ્યા કારણસર પૂજા અને ક્રિશિવ અચાનક 13મા માળેથી નીચે ઝંપલાવ્યું હતુ
મળતી માહિતી પ્રમાણે, આ બિલ્ડિંગમાં ગણેશ સ્થાપના પણ કરવામાં આવી છે. ગણેશજીની મૂર્તિથી આશરે 50 મીટર દૂર આ માતા અને પુત્ર પડ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ડોક્ટરે બંનેને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. 13મા માળેથી પડવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું અને આસપાસના લોકો તથા સંબંધીઓના નિવેદનો લેવાનું શરૂ કર્યું છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
