News of Friday, 5th September 2025
સુરતમાં ધોધમાર વરસાદ : તાપી નદીનું રોદ્ર સ્વરૂપ :કોઝવે ઓવરફલો થતા વાહન વ્યવહાર બંધ કરાયો
ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી: ડેમના બાર દરવાજા 7 ફૂટ ખોલીને 1.63 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું

સુરત : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 11 સપ્ટેમ્બર 2025 સુધી ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે પણ સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઈને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા બીજી તરફ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. સુરત શહેરમાં આવેલો કોઝવે ઓવરફલો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ છે.
હવામાન વિભાગ દ્વારા આજે સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે પણ સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને સુરત શહેરમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે. આજે બપોરે 12 કલાકે ઉકાઈ ડેમની સપાટી 337.91 ફૂટ નોંધાઈ હતી. ડેમના બાર દરવાજા 7 ફૂટ ખોલીને 1.63 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જયારે સુરત શહેરમાં આવેલા કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને આજે બપોરે 12 કલાકે સપાટી 9.41 મીટર નોંધાઈ હતી. કોઝવે વાહન વ્યવહાર માટે બંધ છે. જ્યારે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવેલો છે. તંત્ર એલર્ટ મોડમાં છે.
સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે ત્યારે સુરત શહેરમાં મોરાભાગળ - જહાંગીરપુરા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હતા બીજી તરફ રાંદેર હનુમાન ટેકરી પાસે આવેલા મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા હતા આ ઉપરાંત ડક્કા ઓવારા પાસે ગણેશ વિસર્જન માટે કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું તે પણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
