<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

ગુજરાતના શૈક્ષણિક પરિષરોમાં ઘટેલી હિંસક ઘટનાનું પુનરાવર્તન અટકાવવા તથા પરિસરોની સુરક્ષામાં વધારો કરવાની માંગ સાથે એ.બી.વી.પી.નું નર્મદા પોલીસ વડાને આવેદન

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલને અખિલ ભારતીય વિધાર્થી પરિષદએ એક આવેદન આપી રજૂઆત કરી હતી.

    આવેદનમાં જણાવ્યા મુજબ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ છેલ્લા 77 વર્ષથી વિધાર્થી હિતની લડાઈ લડતું આવ્યું છે. તાજેતરમાં ગુજરાતના કર્ણાવતી (અમદાવાદ), કચ્છ ભુજ તથા મહીસાગરમાં વિધાર્થીઓ સાથે બનેલ હિંસક ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે. એટલું જ નહીં કચ્છમાં નજીવી બાબતે કોલેજના વિધાર્થીઓ દ્વારા પ્રિન્સિપાલ પર હાથ ઉપાડવાની ઘટના, જૂનાગઢમાં 17 વર્ષના વિધાર્થી પર હોસ્ટેલમાં થયેલ મારપીટ, ગુજરાત વિશ્વ વિધાલયમાં બોટની વિભાગના પૂર્વ પ્રાધ્યાપક દ્વારા તોડફોડની ઘટના પણ સામે આવી છે. આ તમામ હિંસક ઘટનાઓમાં વિધાર્થીઓના ભાવિનું ઘડતર જ્યાંથી થાય છે તે શૈક્ષણિક પરિસર એ સામાન્ય ઘટક છે.
ઉપરોક્ત તમામ ઘટનાઓથી શૈક્ષણિક પરિસરોની સુરક્ષા પર ખૂબ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. અખિલ ભારતીય વિધાર્થી પરિષદ આ મુદ્દાની ગંભીરતાને ધ્યાન પર લઈ, આજે રાજ્યના તમામ જિલ્લા મથક પર શૈક્ષણિક પરિસરોની સુરક્ષામાં વધારો કરવાની માંગ સાથે પ્રદર્શનો કરી રહ્યું છે. વિધાર્થીઓ તથા પ્રાધ્યાપકની સુરક્ષા સુનિશ્વિત કરવા અભાવિપ નીચે મુજબની માગો કરે છે.
૧. રાજ્યના તમામ શૈક્ષણિક પરિસરમાં વિધાર્થીઓની સુરક્ષા માટે પૂરતા સુરક્ષા કર્મીઓ જે તે સંસ્થા દ્વારા રાખવામાં આવે છે કે કેમ તેની સઘન તપાસ કરી શૈક્ષણિક પરિસરની સુરક્ષા માટે જવાબદાર વ્યક્તિઓની સૂચિ એક પોર્ટલના માધ્યમથી જે તે સંસ્થાઓમાં ભણતા વિધાર્થીઓના વાલીને મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે.
૨. શૈક્ષણિક પરિસરમાં અંદર તથા બહારની બાજુએ પૂરતા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તથા આ તમામ કેમેરાઓની કીડ એ પોલીસ કંટ્રોલ રૂમમાં ઉપલબ્ધ રાખવામાં આવે.
૩. કેન્દ્ર સરકારના 'Cigarettes and Other Tobacco Products Act (COTPA) 2003 ની કલમ 6 પ્રમાણે કોઈપણ શૈક્ષણિક પરિસરના 300 ફૂટની ત્રિજ્યામાં તમાકુ વેચવા પર પ્રતિબંધનના કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે.
૪. શાળા/કોલેજ છૂટવાનાં સમયે જે તે પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે જેથી ગુંડા તત્વોની પ્રવૃત્તિ પર કાબુ આવે.
ઉપરોક્ત વિધાર્થી હિતની આ તમામ માંગો પર ત્વરિત નિર્ણય કરી યોગ્ય પગલાં લેવા એબીવીપી એ માંગ કરી છે.

(11:06 PM IST)