<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

સાબરકાંઠાના રતનપુરા ગામ પાસે સાબરમતી નદીમાં ફસાયેલા 9 લોકોનું સફળ રેસ્ક્યુ

NDRFની ટીમે ર પુરૂષો, ૪ મહિલા, ૩ બાળકોના જીવ બચાવ્યા

અમદાવાદઃ  સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રતનપુરા ગામ પાસે સાબરમતી નદીના પાણીમાં ફસાયેલા 9 નાગરિકોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમે સફળતાપૂર્વક બચાવ્યા છે. આ ઘટના પૂરના પાણીને કારણે સર્જાઈ હતી, જ્યાં કેટલાક લોકો નદીમાં ફસાયા હોવાની માહિતી સ્થાનિક વહીવટીતંત્રને મળી હતી. NDRFની 6 બટાલિયન દ્વારા આ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સાબરકાંઠાના સિવિલ એડમિનિસ્ટ્રેશન તરફથી મળતી માહિતી મુજબ, રતનપુરા ગામ ખાતે સાબરમતી નદીમાં કેટલાક લોકો ફસાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ જાણકારી મળતા જ, 6 બટાલિયન NDRFની ટીમ હિંમતનગર ખાતેના તેમના રોકાણ સ્થળેથી તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. ટીમે ઝડપથી કાર્યવાહી કરીને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
આ બચાવ કામગીરી દરમિયાન, NDRFની ટીમે કુલ ૦૯ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બચાવ પામેલા લોકોમાં 2 પુરુષો, 4 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. ટીમના સમયસર અને સક્રિય પ્રયાસોને કારણે મોટી જાનહાનિ ટળી હતી. NDRF દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

 

(12:03 PM IST)