News of Sunday, 7th September 2025
સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં વરસાદ તુટી પડયોઃ અનેક જિલ્લાઓમાં જળબંબાકાર
સિઝનનો સરેરાશ કુલ ૯૮.૮પ ટકા વરસાદ નોંધાયોઃ રાજયભરમાં અનેક રસ્તાઓ બંધ

અમદાવાદઃ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સિઝનનો 98.85% વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. ત્યારે આજ રોજ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો બીજી તરફ રાજ્યના અનેક જળાશયો છલકાયા છે.
વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા છે. ઉપવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના 184 જેટલા રસ્તાઓ થયા બંધ છે. કપરાડા તાલુકાના 50, ધરમુપર ના 71, વલસાડ 24, પારડી 29, વાપી 9 અને ઉમરગામ 1 કુલ મળી 184 જેટલા રસ્તાઓ ઓવર ટોપિંગના કારણે બંધ થયા છે. વહીવટી તંત્ર દ્વારા બેરીકેટિંગ કરી તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તંત્ર દ્રારા નદી કિનારે ન જવા લોકોને કરાઈ અપીલ. ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદીની જળસપાટીમાં વધારો થયો છે.
વલસાડ જિલ્લાના કપરાડામાં ગઈકાલ શનિવાર સવારના 6 વાગ્યાથી આજે રવિવાર સવારના 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કુલ 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગઈકાલ શનિવારે 10થી 12 સુધીના બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ તુટી પડ્યો હતો.
અમદાવાદમાં મધ્યરાત્રીથી વરસી રહેલા વરસાદ અને ધરોઈ તેમજ સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં છોડાઈ રહેલા પાણીને કારણે, અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં વાસણા બેરેજથી 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજ ખાતે સાબરમતી નદીનું જળસ્તર 127 ફૂટ મેન્ટેઇન કરવામાં આવશે. ધરોઈ ડેમમાંથી 94432 ક્યુસેક પાણીની આવક સાબરમતીમાં થઈ રહી છે. જ્યારે સંત સરોવરમાંથી 68585 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા કેનાલમાંથી 1633 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
નદીમાં પથ્થરોના સહારે બેસી મદદની જોતો રાહ, 16 કલાકથી વધુ સમયથી યુવક નદીમાં ફસાયેલો, ગઈકાલે નદીમાં ફસાયેલા યુવકને બચાવવા કામગીરી, SDRF દ્વારા યુવકને બચાવવા માટે પ્રયાસ હાથ ધરાયા, રેસ્ક્યુ ન થાય તો હેલિકોપ્ટરની મદદ લેવામાં આવશે, અચાનક પાણી આવતા યુવક નદીમાં ફસાયો હતો.
ગત ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી, બનાસ સહિતની નદીઓમાં પાણીની આવક થઈ છે. બનાસકાંઠાના દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા ૮ વ્યક્તિઓનું SDRFની ટીમે રેસ્ક્યુ કરી સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે. દાંતા મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ SDRFની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ પૂર્ણ કર્યું હતું. SDRFના જવાનોની બહાદુરી ભરી કામગીરીથી તમામ ૮ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. વરસાદને પગલે બનાસકાંઠા વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી નદી, નાળા, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં ના જવા અનુરોધ કર્યો છે.
સાબરકાંઠામાં પણ વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે, ખેડબ્રહ્મામાં નદીમાં 9 લોકો ફસાયા હતા તેનું રેસકયુ એનડીઆરએફની ટીમે કર્યુ છે અને તમામ લોકોનો બચાવ થયો છે.
કડાણા ડેમના 15 દરવાજા ખોલાયા, નદીમાં 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું
ઉપરવાસમાંથી થઈ રહેલ પાણીની આવકના પગલે કડાણા ડેમમાંથી ક્રમશ પાણી વધારી 301099 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમના 13 દરવાજા 12 ફૂટ અને 2 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. કડાણા ડેમના કુલ 15 ગેટ ખોલવામાં આવ્યા છે.
મહેસાણા જિલ્લામાં પડેલા વરસાદના કારણે ખેતરો જાણે તળાવમાં ફેરવાયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બરબાદ થવાની ભીતી ઉભી થઈ છે. બહુચરાજી તાલુકા ખેતરો તળાવમાં ફેરવાયા છે. કઠોળ, બાજરી, દિવેલા સહિતના વાવેલા પાકમાં પાણી ભરાઇ જતાં પાક ફેલ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બહુચરાજી તાલુકા ગ્રામીણ વિસ્તારના ખેતરો પાણીથી ભરાઇ ગયા છે.
વડોદરા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, કાર પાણીમાં ફસાતા મહામહેનત કારને પાણીમાંથી બહાર કઢાઈ હતી, જાંબુઆ, કોટેશ્વર, વડસર, બાજવા, ઉંડેરા, કરોડીયા ગામે પાણી ભરાયા છે. શહેર નજીક જાંબુઆ બ્રિજ પર પાણી ફરી વળતા એક કાર પાણીમાં ફસાઇ જતા તેમાં લોકો ફસાયો હોવાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડે બોટ ઉતારીને ચાર મગરોના આંટાફેરા વચ્ચે રેસ્કયૂ કાગીરી હાથ ધરી હતી. જોકે કારમાંથી કોઈ મળી આવ્યુ ન હતુ.
સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી કે જયાં વરસાદ ઓછો વરસ્યો હોય, ત્યારે વડોદરાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં પણ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. વિશ્વામિત્રી નદીના વહેણમાં એક કાર તણાઇ છે, અને વડોદરાના જાબુંઆ ગામે નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે, એક વ્યકિત કાર લઈને જતો હતો તે પાણીમાં ફસાયો હતો અને મહામહેનતે તેને કારની બહાર કાઢયો હતો, વિશ્વામિત્રી નદીના વહેણમાં એક કાર તણાઈ છે અને વડોદરા ગ્રામ્યમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતોના ખેતરો પણ પાણીથી જળબંબાકાર થઈ ગયા છે.
ભરૂચમાં આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીની જળસપાટી ભયજનક સપાટી નજીક પહોંચી છે. ઢાઢર નદીની જળ સપાટી હાલમાં 99.99 ફૂટે પહોંચી છે. જો કે, ઢાઢર નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે. ઢાઢર નદીની જળસપાટી ભયજનક સપાટી નજીક પહોચતા નદી કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરાયા છે.
મહેસાણા સ્થિત ધરોઈ ડેમના 8 દરવાજા 9.25 ફૂટ ખોલાયા છે. ધરોઈ ડેમમાં હાલમાં 57,055 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 8 દરવાજા 9.25 ફૂટ ખોલાતા, ડેમમાંથી 94000 ક્યુસેક પાણીની જાવક સાબરમતી નદીમાં થઈ રહી છે. ડેમમાં જળ સ્ટોક 77.87 ટકા છે. ડેમની જળ સપાટી 616.04 ફૂટ છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી બે દિવસમાં ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, કચ્છ અને જામનગરનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું કે, હજુ પણ સૌરાષ્ટ્રમાં વરસાદની જરૂર છે અને આગામી દિવસોમાં ત્યાં પણ સારો વરસાદ પડી શકે છે.
ભારે વરસાદના પગલે સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત, નર્મદા નદીમાં નવા પાણીની આવક થવાથી સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 102.89 ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત રિજીયનમાં 106.50 ટકા, પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં 107.34 ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં 91.29 ટકા અને દક્ષિણ રીજીયનમાં 107.99 ટકા જેટલો વરસાદ નોધાયો છે.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
