<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ઉત્તર ગુજરાત ઉપર રહેલી ડિપ્રેશન સિસ્ટમ વધુ મજબૂત બની, ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ : આગામી ૨૪ કલાક અતિ ભારે વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાત ગૌરવ રાણિંગાના મતે, સિસ્ટમ નડાબેટ પાસે કેન્દ્રિત : પશ્ચિમ દિશા તરફ આગળ વધી કચ્છ અને પાકિસ્તાન તરફ જશે : ૬૦થી ૭૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે!

રાજકોટ: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા ઉપર સક્રિય થયેલી ડિપ્રેશન સિસ્ટમ હવે વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. હવામાન નિષ્ણાત ગૌરવ રાણિંગા દ્વારા સેટેલાઇટ ઇમેજનરીના આધારે આપવામાં આવેલી માહિતી મુજબ, આ સિસ્ટમનું લોકેશન રવિવારે બપોરે ૩:૩૦ વાગ્યે પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા ઉત્તર ગુજરાતના નડાબેટ વિસ્તાર પાસે હતું.
આગામી ૧૨ કલાકમાં આ સિસ્ટમ મુખ્યત્વે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને કચ્છ-પાકિસ્તાન બોર્ડર વિસ્તાર તેમજ સિંધ તરફ ગતિ કરશે. સિસ્ટમ ખૂબ મજબૂત હોવાને કારણે હાલ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અહીં ૬૦ થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનના ઝટકા અનુભવાઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ૨૪ કલાક સુધી આ વિસ્તારોમાં આવું જ વાતાવરણ રહી શકે છે. ભારે પવન ફૂંકાવા સાથે કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હાલ ઉત્તર ગુજરાત અને કચ્છના રહેવાસીઓને સાવચેતી રાખવા અને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ અને સંભવિત પૂરની સ્થિતિ અંગેની સચોટ માહિતી માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓ પર જ આધાર રાખવા જણાવાયું છે.

 

(5:00 PM IST)